Editorial National Politics

શા માટે PM મોદી નો કાફલો એકાએક રસ્તા પર રોકાઈ જતા સુરક્ષા અધિકારીઓ ના જીવ અધ્ધર થઈ ગયા ?

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ગત શનિવારે  PM મોદી પોતાના  સંસદીય વિસ્તાર શિવ નગરી કાશીમાં વિકાસ કાર્યનો અહેવાલ લેવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ તેની સાથે હતાં. બીએચયુ સ્થિત વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા પછી તેમનો કાફલો રસ્તા પર નીકળ્યો હતો,પણ એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રસ્તા વચ્ચે જ રોકવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવાને કારણે સ્થાનીક પ્રશાસન અને સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. આ સાથે જ દિલ્હીની સુરક્ષા એજન્સીઓના લોકો પણ વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માની રહ્યાં છે


PM મોદી નો કાફલો જ્યારે શનિવારે સાંજે કેન્ટ રેલવે સ્ટેશનની સામે થી જેવો પસાર થયો કે તરત જ બે આખલા લડતા લડતા રસ્તા પર આવી ગયાં હતાં. જેથી કેટલીક મિનિટો માટે વડાપ્રધાનનો કાફલો રોકાઈ ગયો હતો. મોદી પણ કારની અંદર બેસીને આ લડાઈ જોતા રહ્યાં હતાં. ભરબજારે પીએમનો કાફલો રોકાયો તો સુરક્ષા અધિકારીઓનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. આખલાઓને નિયંત્રણમાં લાવવા માટે લાઠી પણ મારવામાં આવી હતી. જોકે, આ પછી પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી. જેમ તેમ કરીને પછી આખલાઓને રસ્તા પરથી દૂર ખસેડાયાં હતાં.

ત્યાર બાદ જ કાફલો આગળ વધ્યો હતો. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ પણ આ ઘટનાને પીએમની સુરક્ષામાં મોટી ચૂક માની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શુ વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્રની યાત્રા દરમિયાન પહેલીવાર આવો નજારો જોયો હશે ? જોકે, વારાણસીમાં આ પહેલા પણ પીએમના પ્રવાસ દરમિયાન તેમના આવવા-જવાના સ્થાન પર આખલા અવરોધ બની ચૂક્યાં છે. એટલું જ નહીં વારાણસીમાં આવા આખલાઓએ અનેક લોકોના જીવ પણ લીધાં છે પરંતુ તેમને નિયંત્રિત કરવામાં તંત્ર સંપુર્ણ નિષ્ફળ ગયુ છે.