Gujarat Lifestyle Politics Trending

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના પુસ્તકોમાં શા માટે થયો તોતિંગ ભાવ વધારો ? કારણ જાણી દરેક વાલીઓ ચોકી જશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતનું શિક્ષણ તંત્ર છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદોમાં છે, જેના પાછળ શિક્ષણ વિભાગનું જ્ઞાન ન હોવા છતાં બની બેઠેલા શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના તઘલખી નિર્ણય જવાબદાર હોવાનું મનાય છે. જેની સાબિતી આપતો એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.  ગુજરાત બોર્ડના ધોરણ-10 અને 12માં આ વર્ષથી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)નાં પાઠ્યપુસ્તકોનો અમલ શરૂ થયો છે. જોકે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે આ પુસ્તકોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરાવતા ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ થયો છે. એનસીઈઆરટીના એક પુસ્તકના ભાષાંતર માટે પાઠ્યપુસ્તક મંડળે નિષ્ણાતોને અધધ 2.50 લાખ ચૂકવ્યા છે.

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 10 અને 12માં NCERTનાં પુસ્તકોનું ભાષાંતર કરી અમલમાં મૂક્યાં, પણ ભાષાંતર માટે પોતાના કોઈ સભ્યો છે જ નહીં.તેથી NCERTનાં પુસ્તકોનું ભાષાંતર કરનારા નિષ્ણાતોને અલગથી મહેનતાણુ ચૂકવવું પડે છે. આને કારણે પાઠ્યપુસ્તકની કિંમતમાં પણ વધારો થાય છે. જેનો સીધો બોજ વાલીઓ પર જ પડતો હોય છે.મીડિયા અહેવાલ મુજબ, ભાષાંતર કરવા માટે પુસ્તકના પેજ દીઠ નિષ્ણાતને રૂપિયા 300 મહેનતાણુ ચૂકવવામાં આવે છે.ભાષાંતર ઉપરાંત સમીક્ષા, પ્રૂફ રીડિંગ માટે અલગ ચાર્જ ચૂકવવો પડતો હોવાથી પુસ્તક તૈયાર કરવાનો ખર્ચ વધે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે NCERT આ બાબત માટે એક પણ રૂપિયો ચૂકવતું નથી.પાઠ્યપુસ્તક મંડળે ભાષાંતર, સમીક્ષા અને પ્રૂફ રીડિંગ માટે એક પેજ દીઠ નિષ્ણાતોને રૂ. 390 ચૂકવ્યા છે. ધોરણ-12ના ફિઝિક્સના પાઠ્યપુસ્તકનો દાખલો લઈએ તો 307 પાનાનાં આ પુસ્તકના ભાષાંતર માટે પેજ દીઠ રૂ. 390 ચૂકવાયા છે. મંડળે ભાષાંતર માટે 1.19 લાખ ખર્ચ કર્યો છે.
પરંતુ ભાષાંતર કરનારા નિષ્ણાતોને લાવવા-લઈ જવા અને તેમના રહેવા-જમવા માટે રૂ. 1.30 લાખ ચૂકવ્યા છે. ખુદ પાઠ્યપુસ્તક મંડળે સ્વીકાર્યું છે કે, ભાષાંતર કરાવવાને લીધે તેની કિંમતમાં પણ વધારો થયો છે.

એનસીઈઆરટી પાસે પોતાના જ ફેકલ્ટી મેમ્બર છે અને તેમને પગાર આપવામાં આવે છે. પરંતુ પાઠ્યપુસ્તક મંડળે ભાષાંતર માટે નિષ્ણાતોને તગડું મહેનતાણુ આપ્યું છે.સરકારી સ્કૂલો અને કોલેજોમાં નિષ્ણાતોને સરકાર પગાર ચૂકવે છે. માટે સરકાર ઠરાવ કરી શિક્ષકો અને પ્રોફેસરને નવા પુસ્તક કે ભાષાંતર માટે પાઠ્યપુસ્તક મંડળને સહયોગ આપવાનો ફરમાન કરે તો પુસ્તકની કિંમત ઘટી શકે.દરેક ધોરણના પુસ્તકના ભાષાંતર માટે પેજ દીઠ રૂ. 390 ચૂકવાય છે

ઉદાહરણ : ધો-12 ફિઝિક્સના પુસ્તકની કિંમત 92થી વધી 153 કેવી રીતે થઈ? જાણો
એનસીઈઆરટીના પુસ્તકનું ભાષાંતર કરાવવાથી પુસ્તકની કિંમતમાં અંદાજે 67 ટકાનો વધારો થયો છે
2018 રૂ.92
2019 રૂ.153
વધારો 67.39%
(એક પેજ માટે અન્ય ખર્ચ ઉમેરતા કુલ ખર્ચ રૂ. 390 થાય છે)
કુલ પાનાં – 307 X 390 = 1.19 લાખ
નિષ્ણાતોને મહેનતાણુ, આવવા-જવા, રહેવા-જમવાનો ખર્ચ= 1.30 લાખ
કુલ ખર્ચ= 2.49 લાખ
મંડળને 1 પેજની પડતર રૂ. 390
પેજ દીઠ ભાષાંતર  300
પેજ દીઠ સમીક્ષકને  40
પેજ દીઠ પ્રૂફ રીડિંગ. 50
કુલ એક પેજ દીઠ . 390