Gujarat

સુરતના વરાછામાં ટ્રાફિક ટૉઇંગ ક્રેન યુવકો અને વાહન માલિક વચ્ચે શા માટે થઈ મારામારી, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,સુરતઃ સુરતમાં પોલીસ અને આમ જનતા વચ્ચે બબાલ અને ઝઘડા ના દ્રશ્યો અવારનવાર મીડિયામાં ચમકતા રહેતા હોય છે, કારણ કે સુરતની પોલીસ દ્વારા આમ જનતા સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે એ વર્તન ને લઈને લોકોમાં ભારે નારાજગી છે. તો સામે કેટલીક વખત આમ જનતા દ્વારા પણ પોલીસ સાથે જે વર્તન કરવામાં આવે છે એ પણ સતત નિંદનીય રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે એવા સુરતના પોલીસ કમિશનર કેટલીક બાબતોમાં હંમેશા સાયલન્ટ મોડમાં રહીને જ કામ કરતા હોય છે.

તાજેતરમાં એકવાર પુનઃ સુરતના વરાછા વિસ્તારમાં લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાહન ટોઇંગ ને લઈને ભારે ઘર્ષણ સર્જાયું હતું. જોકે આ ઘર્ષણનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો વાહન ટોઇંગ કરનાર વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અભદ્ર ભાષા બોલી રહ્યા છે જે ખરેખર યોગ્ય નથી તેથી વીડિયો પણ મ્યુટ મોડ માં મૂકવો પડયો છે. જોકે આ ઝગડાનું એકમાત્ર કારણ એ હતુ કે ટોઈંગ કરેલું વાહન નીચે પડી જવાથી ઘર્ષણ સર્જાયું હતું.

મળતી માહિતી મુજબ,  વરાછા વિસ્તારમાંથી બાઈક મોપેડ ટોઈંગ કરીને ક્રેઈન જઈ રહી હતી. જેમાંથી એક મોપેડ રસ્તા પર નીચે પડી ગયું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટોઈંગ ક્રેઈનના લોકો સાથે મારા મારી કરી મુકી હતી.ટોઈંગના માણસોને લોકોએ જાહેરમાં ઢીક્કા પાટુના માર માર્યા હતાં. વરાછા પોલીસ સ્ટેશન નજીક જ સર્જાયેલા દ્રશ્યોને લઈને વાતાવરણ ગરમ થઈ ગયું હતું. જો કે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અને પોલીસ કેવા પગલાં ભરે છે એ જોવું રહેશે.

બીજી મહત્વની બાબત એ છે કે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં લોકો આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે. જેને પરિણામે ટ્રાફિકની સ્થિતિ સર્જાતી રહે છે તો બીજી બાજુ વાહન ટૉઇંગ કરવા માટે આવનાર ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય રીતે પાર્ક કરેલા વાહનોની પણ ઘણીવાર ઉઠાવી જવામાં આવતા હોય છે જેને લઇને ઘર્ષણ સર્જાતું હોય છે, તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ વાહન ઊંચકી લીધા બાદ વાહન માલિક પાસેથી પૈસા લઈને બારોબાર વહીવટ પતાવી દેતા હોવાના પણ કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવેલા છે. ત્યારે હવે સાઈલેન્ટ મોડ માં કામ કરનાર સુરતના પોલીસ કમિશનર અને ટ્રાફિક કમિશનર વાઇબ્રન્ટ મોડ માં આવી અને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.