Editorial Gujarat National

કઈ ભુલને કારણે કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો ? જાણો સમગ્ર હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક :  સર્વિસમાં ચૂક અને અયોગ્ય ટ્રેડ પ્રેક્ટિસ બદલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ અમદાવાદ દ્વારા એર ઈન્ડિયાને એક લાખ રુપિયા વળતરની સાથે સાથે કેસ લડવામાં પરિવારને થયેલો 10,000 રુપિયા ખર્ચ પણ આપવાનો આદેશ આપ્યો છે. 30 જુલાઈના રોજ કોર્ટ દ્વારા આ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

મળતી માહીતી અનુસાર, જાન્યુઆરી 2015માં દયાલ વાધવાની એર ઈન્ડિયાની ફ્લાઈટથી સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ વેકેશન માટે ગયા હતા. સિંગાપોર એરપોર્ટ પર પહોંચતા જ આ પરિવારને ખબર પડી કે અન્ય પેસેન્જર્સનો સામાન આવી ગયો છે, પરંતુ બેલ્ટ પર તેમનો સામાન તો હતો જ નહીં. અડધો દિવસ સામાનની રાહ જોયા પછી પરિવારને AIના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે અમદાવાદ એરપોર્ટ પરથી તેમનો સામાન લોડ જ કરવામાં નહોતો આવ્યો.

જો કે, એરલાઈન્સ દ્વારા તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે બીજી ફ્લાઈટમાં સાંજ સુધીમાં તેમનો સામાન આવી જશે.સિંગાપોરથી ક્રૂઝમાં આગળ જવાનું હોવાને કારણે આ પરિવારે તાત્કાલિક ત્યાંના મૉલ્સમાં જઈને નવા કપડા અને જરુરી સામાન ખરીદવો પડ્યો જેનું બિલ 4439.25 સિંગાપોર ડોલર થયું. ભારત પાછા ફરીને આ પરિવારે કંપની સામે કેસ કર્યો અને એરલાઈન્સની ભૂલને કારણે તેમણે ઉઠાવવી પડેલી અગવડ બદલ વળતર માંગ્યું.

બીજી બાજુ,  કોર્ટે સ્વીકાર્યું કે પેસેન્જર્સની મરજીથી તેમનો સામાન અમદાવાદ પાછો મોકલવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, પરિવારે સિંગાપોરથી જે સામાન ખરીદ્યો તેનો ઉપયોગ તે ભારત પાછા ફરીને અહીં પણ કરી શકે છે. અને તેમનો સામાન પણ સુરક્ષિત રીતે અમદાવાદ પાછો મોકલી દેવામાં આવ્યો હતો. માટે પરિવારને 4439.25 ડોલર વળતર ન આપી શકાય. પરંતુ સામાન સમય પર ન મળવાને કારણે પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એર ઈન્ડિયાની સર્વિસની આ ચૂક છે. આમ કહીને કોર્ટે એરલાઈનને 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ આપ્યો.