શાસકો બેવફા : મતદારો ખફા ? નેતાઓની નિષ્ક્રિયતા : 2027 ની ચૂંટણીઓમાં ભાજપ ને પરસેવો આવી જશે ! જાણો કારણ
ગુજરાતમાં અધિકારી શાસનનો દબદબો? મુખ્યમંત્રી બદલાયા, પણ જનતાની સમસ્યાઓ યથાવત!
સત્તાના કેન્દ્રમાં નેતાઓ કે અધિકારીઓ? પાયાની સુવિધાઓ માટે તરસતી જનતા, ભાજપ સામે ધીમે ધીમે વધતો અસંતોષ
ગુજરાતના મતદારો હવે માત્ર વિકાસની જાહેરાતો નહીં, પરંતુ જમીન પર દેખાતો વિકાસ અને જવાબદાર શાસન ઇચ્છે છે.
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી પદેથી દિલ્હી ગમન બાદ રાજ્યના રાજકીય અને વહીવટી માળખામાં અનેક પરિવર્તનો જોવા મળ્યાં છે. આનંદીબેન પટેલના ટૂંકા કાર્યકાળ બાદ વિજયભાઈ રૂપાણી અને ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે રાજ્યની ધુરા સંભાળી. જોકે, નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાંથી દિલ્હી જવા બાદ રાજ્યમાં અધિકારીશાહીનું વર્ચસ્વ વધ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળો અને બુદ્ધિજીવી વર્ગમાં સતત થતી રહી છે.
મુખ્યમંત્રી બદલાયા, મંત્રીઓ બદલાયા, સરકારની જાહેરાતો અને યોજનાઓમાં પણ સમયાંતરે ફેરફાર થયા, પરંતુ સામાન્ય નાગરિકની રોજિંદી સમસ્યાઓમાં અપેક્ષિત સુધારો કેમ જોવા મળતો નથી? આ પ્રશ્ન આજે ગુજરાતના અનેક નાગરિકોને મૂંઝવી રહ્યો છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓ પોતાની કામગીરીની જવાબદારી અસરકારક રીતે નિભાવવા કરતાં અધિકારીઓ પર વધુ નિર્ભર રહેતા હોવાના કારણે વહીવટી તંત્રમાં અધિકારીશાહીનો દબદબો વધી રહ્યો છે. પરિણામે, અધિકારીઓને જાણે મનમાની કરવાનો મોકો મળી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જાહેરાતો મોટી, પરંતુ જનતાને સુવિધાઓ ક્યાં?
ગુજરાત સરકાર દરરોજ નવી યોજનાઓ, વિકાસકાર્યો અને મોટી જાહેરાતો દ્વારા પોતાની કામગીરીનો પ્રચાર કરતી જોવા મળે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકાઓ અને નાના શહેરોમાં રહેતા લોકોની વાસ્તવિક સ્થિતિ ઘણી વખત આ જાહેરાતોથી વિપરીત હોવાનું જણાય છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં નાગરિકો રસ્તા, પાણી, ગટર, સફાઈ અને અન્ય પાયાની સુવિધાઓ માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સામાન્ય માણસને પોતાના વિસ્તારની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે.
રસ્તા, રખડતાં ઢોર અને ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ
ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં રસ્તાઓની ખરાબ હાલત, રખડતાં ઢોરનો આતંક અને ઉભરાતી ગટરો ગંભીર સમસ્યા બની રહી છે. રસ્તાઓ પર ખાડાઓના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે રખડતાં ઢોરના કારણે અકસ્માતોનું જોખમ સતત રહે છે.
ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય પર પણ જોખમ ઊભું થાય છે. ખાસ કરીને નાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકો વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ મળતો ન હોવાની ફરિયાદો કરે છે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં જ મુશ્કેલી અનુભવી રહી હોય, તો વિકાસના દાવાઓની વાસ્તવિકતા શું છે?
ભાજપ સામે મતદારોમાં છૂપો રોષ?
ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં વિકાસનાં અનેક કાર્યો થયાં હોવાના સરકારના દાવા છે. પરંતુ સતત સત્તામાં રહેવાના કારણે સ્થાનિક સ્તરે ઊભી થતી સમસ્યાઓ અને જનતાની ફરિયાદોનું નિરાકરણ સમયસર ન થાય તો સત્તાધારી પક્ષ સામે અસંતોષ ઊભો થવો સ્વાભાવિક છે.
બુદ્ધિજીવી વર્ગ અને રાજકીય નિરીક્ષકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપ પ્રત્યેનો છૂપો અસંતોષ ધીમે ધીમે મતદારોના મનમાં સ્થાન બનાવી રહ્યો છે. જો આ અસંતોષને સમયસર દૂર કરવામાં નહીં આવે, તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તે ભાજપ વિરોધી મતદાનમાં પરિવર્તિત થઈ શકે છે.
અલબત્ત, ચૂંટણીનાં પરિણામો અનેક પરિબળો પર આધારિત હોય છે, પરંતુ જનતાની રોજિંદી સમસ્યાઓને અવગણવી કોઈપણ સત્તાધારી પક્ષ માટે જોખમી બની શકે છે.
હવે સરકાર માટે આત્મમંથનનો સમય
ગુજરાતની જનતા માત્ર જાહેરાતો, ભાષણો અને પ્રચારથી સંતોષ પામે તેવી સ્થિતિમાં નથી. લોકોને પોતાના વિસ્તારમાં સારા રસ્તા, સ્વચ્છ ગટર, રખડતાં ઢોરથી મુક્તિ, પૂરતી પાણીની સુવિધા અને જવાબદાર વહીવટ જોઈએ છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ અધિકારીઓ પર નિર્ભર રહેવાને બદલે સીધી જનતાની વચ્ચે જઈને સમસ્યાઓનો તાગ મેળવવો જોઈએ. અધિકારીઓની જવાબદારી નક્કી કરવી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સક્રિય બનાવવી અને ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ કરવું એ સરકારની પ્રાથમિકતા બનવી જોઈએ.
કારણ કે લોકશાહીમાં સત્તા કાયમી નથી હોતી. જનતા જ અંતિમ નિર્ણયકર્તા છે. જો જનતાની સમસ્યાઓનો અવાજ સત્તાના દરબાર સુધી નહીં પહોંચે, તો મતપેટીમાંથી નીકળતો અવાજ સરકાર માટે ચેતવણી બની શકે છે.