જય નારાયણ વ્યાસે લખ્યો પત્ર : વતન માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ : વ્યાસ

જય નારાયણ વ્યાસે લખ્યો પત્ર : વતન માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ : વ્યાસ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : પ્રખર અર્થશાસ્રી, પીઢ નેતા એવા જય નારાયણભાઈ વ્યાસે તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેમના મતવિસ્તારના અને વતનના સિદ્ધપુરવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. જે ખરેખર ખૂબ જ લાગણીસભર છે. જય નારાયણ વ્યાસે સોશિયલ મીડિયામાં લખેલો આ પત્ર અક્ષર સહ નીચે મુજબ છે.

સિદ્ધપુર મતવિસ્તાર અને ભાવિ પેઢીના વિકાસ માટે ચિંતિત છો?
- તો આ જરૂર વાંચજો.   

કાચિંડા નામનો એક જીવ હોય છે. અનુકૂળતા પ્રમાણે એ રંગ બદલે છે. આ બધા કરતુતો જાતને છુપાવવા માટેના અને શિકાર પકડવા માટેના હોય છે. કાચિંડા બે પ્રકારના હોય છે, એક કુદરતે જેમને પેદા કર્યા છે તે અને બીજા ચૂંટણી જેમને પેદા કરે છે તે.

વળી પાછી ચૂંટણી આવી એટલે એ મેદાનમાં. ચૂંટણી એમના માટે સેવા નથી અવસર છે. ચૂંટાય તો પણ તેમનું વિકાસમાં શું યોગદાન હોય છે તે છેલ્લા દસ વર્ષમાં સિધ્ધપુરે જોયું છે. હવે પાછા આ કાચિંડા મેદાનમાં આવી ગયા છે. કેટલાક આ પ્રસંગને વિવિધ કારણોસર વટાવી પણ શકે છે અને એ માટે જરૂર લાગે ત્યાં ભાષાની કોઈપણ પ્રકારની મર્યાદા વગર મારા સામે ખરાખોટા આક્ષેપો પણ કરી શકે છે. પાંચ વર્ષ સાથે રહ્યા હોય, નાનામોટા કામ માટે, કોઈની બદલી માટે, કોઈનું પોસ્ટિંગ કરાવવા માટે, મારી પાસે આવ્યા હોય - હું આમાં સબરસ જે કામ કરે છે તે ગરીબો માટે કે દર્દીઓ માટેના કામનો ઉલ્લેખ નથી કરતો કારણ કે મારા આરાધ્યદેવ શિવ, શક્તિ અને સાંઈનો આદેશ છે કે આજીવન મારે આ કામ કરવું. કોઈપણ રાજકીય આક્ષેપ અપેક્ષા વગર જે હું કરું છું. ક્યાંક કોઈ પાર્ટીના નામની દુહાઈ દે છે, ક્યાંક કોઈ કોમના નામે મશાલો પકડીને અત્યારે મેદાનમાં પડ્યા છે, તો ક્યાંક વળી ‘કામ કરાવવું હોય તો આ એક જ જગ્યાએ જવું પડે’ એવી ચાપલુસી કરનાર અત્યારે બંને બાજુએ હેરાફેરી કરે છે. જેમના માટે અડધી રાતે જાગીને અશક્ય કામ પાર પાડ્યા છે એ આજે એમ કહે છે કે અમારો કોઈની સાથે ઝઘડવામાં ઉપયોગ થાય છે. મારે આ બધાને કહેવું છે કે હું જે કાંઈ છું તે માત્રને માત્ર સિધ્ધપુર અને શિવ, શક્તિ, સાંઇ અને મારા પગથિયે ચડતા ગરીબોના આશીર્વાદને કારણે છું. મારે આપની શક્તિની કોઈ જરૂર નથી જો તે ઉપકાર તરીકે આપતા હોય, જનહિતમાં વાપરવાની હોય, સિદ્ધપુરના હિતમાં વાપરવાની હોય તો અત્યારે ચૂંટણી સમયે તમે ઘૂઘરા બાંધીને ઉંધી દિશામાં નાચો છો તેમાં મને કોઈ વાંધો નથી. મને મારા ફિલોસોફીના ગુરુએ શીખવાડ્યું છે કે સારો સમય હોય યા ખરાબ સમય, ભીંત પર લખીને રાખો, યે સમય ભી બીત જાયેગા’. 

હું માંદગી પછીનો મિલન સમારંભ કરું તો તેને શક્તિ પ્રદર્શન કહેવાય, સબરસ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ખૂબ સરસ કામ થયું છે તેની ઓફિસનું ઉદ્ઘાટન ચૂંટણીલક્ષી કામગીરીમાં આવી જાય, આ બેધારી નીતિ કેમ ચાલશે?

સૌથી વિકૃત અને ખરાબમાં ખરાબ કોમેન્ટ એ વ્યક્તિગત કોમેન્ટ છે, ‘ખુરશીમાંથી ઉભા પણ નથી થઈ શકતા તે ચૂંટણી લડવા નીકળ્યા છે.’ આમાંના જ કેટલાક હું હોસ્પિટલમાં હતો ત્યારે મારી ખબર પૂછવા આવ્યા હતા. અંદર નહીં આવી શક્યા કારણકે આઇસીયુમાં કોઈને મળવા દેતા નથી એટલે બહાર ચાની લારીવાળાની સાથે વાતે વળગ્યા. સવાલ હતો, ‘આ જય નારાયણ વ્યાસ પાછા ઊભા થશે કે કેમ?’ હવે આ ટુકડી કામે લાગી છે. ‘હું ખુરશીમાંથી નથી ઉભો થઈ શકતો...’ આવનાર સમયમાં ગંદા અને ગલીચ આક્ષેપો પણ મારા પર થશે કારણકે રાજાની રાણી સાથે લડો તો રાજ દરબાર પહોંચાય પણ ગામની નગરનારી સાથે લડો તો ઘરના ખૂણે પેસી જવું પડે એવી ગલીચ ભાષા અને ગાળો સાંભળવી પડે. મારી સાથે જે કંઈ પ્રપંચો થઈ રહ્યા છે તે સિદ્ધપુરના હિત ખાતર હું પચાવી જઈશ. ચૂંટણી તો એક બહાનું છે. ચૂંટાયા પછી પણ લોકોની પરવા નહીં કરતા આ લોકોની સામે છેલ્લા ૧૦ વર્ષમાં મારો ભૂતકાળ પડ્યો છે. સિદ્ધપુર માટે હું રીતસરનું લડ્યો છું. ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર લઈ આવવાના હોય કે પછી તાજેતરમાં જ ૪૨ કરોડ જેવી માતબર રકમ છેલ્લા ચારથી પાંચ વર્ષ મથ્યા રહીને ભરત મોદી તેમજ તત્કાલીન પ્રમુખ ભાઈ અજીત મારફતીયાને એ માટે દોડતા રાખીને અમે સિદ્ધપુર માટે મેળવ્યા છે. હવે એની અમલવારી બેન કૃપાબેનના સમયગાળામાં થશે. દોઢેક વર્ષમાં સિધ્ધપુરની જર્જરિત ગટરો સમી થઈ જશે. એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનશે. આમાં પ્રદાન નહીં આપી શકનાર લોકો હવે રેલવેના એક પ્રશ્ને અપજશનો ટોપલો જેને મારું ગામ ગણું છું એ રાજપુરને ઉંઘે રવાડે ચડાવીને મારા માથે ઢોળવા માંગે છે. આ સંપૂર્ણપણે જૂઠું અને ગેરસમજ ઊભી કરવા માટેનું કાવતરું છે. આ કામ એમપીનું છે. છ વર્ષ આપણા પોતાના સાંસદશ્રી રાજ્યસભામાં હતા એમને પણ ક્યાંય રજૂઆત કરી નથી, નથી હાલના સાંસદ ભરતસિંહ ડાભીને કોઈએ રજૂઆત કરી. હું હાથવગો છું એટલે શાહબુદ્દીન રાઠોડના વનેચંદની માફક મારા ઉપર ગમે તે આક્ષેપો કરી શકાય અને એ હેઠળ રાજપુર માટે જે કામ નરોત્તમભાઈ પટેલ અને અન્ય મિત્રોની આગેવાની હેઠળ થયું છે એ બધું વિસારી દઈને રેલવેનું નાળુ જે ભારત સરકારે કરવાનું છે તે અમે કરાવી દઈશું એવા ખોટા વચન આપીને કોર્પોરેટરની ચૂંટણી લડતા આ કેટલાક મુઠ્ઠીભર માણસોનું કામ છે. મારું ગામ મને સારી રીતે ઓળખે છે. મને ગૌરવ છે કે રાજપુરની એ પ્રાથમિક શાળામાં એકડો ઘૂંટીને છ ધોરણ સુધી ભણ્યો, ગોગા મહારાજના મેદાનમાં કે શાસ્ત્રીજીની પાઠશાળામાં ક્રિકેટ અથવા વોલીબોલ રમ્યો, રાજપુરના ગાંદરે જે ઘટના ઘટવાની હતી તેમાં કલેકટરે જ્યારે ધમકી આપી કે હું એસઆરપીને મોકલીશ ત્યારે પહેલી ગોળી ખાવા માટે હું એસઆરપીનું સ્વાગત કરીશ એમ કહીને આજે જ્યાં અર્બન હેલ્થ સેન્ટર ઊભું છે ત્યાંથી આ પ્રોજેક્ટને બીજે જમીન અપાવી વસવાટ કરાવ્યો. ખરવાડની જમીન એક સમયે ટેલીફોન ખાતાના ઉપયોગ માટે રિક્વેજીશનમાં જવાની હતી જ્યાં આજે આપણી પ્રાથમિક શાળા સુંદર મેદાન સાથે ગામને ગાંદરે ઉભી છે. પીવાના પાણીની તંગી રાજપુરે ક્યારેય નથી વેઠી. જોકે સિધ્ધપુરે પણ નથી વેઠી. આ બધા માટે ગુરુગાદીના આશીર્વાદ તેમજ શિવ, શક્તિ અને સાંઇની પ્રેરણા, નરોત્તમભાઈ જેવા જાગૃત કોર્પોરેટરો સાથે કામ કરનાર રાજપુરની ટીમ જવાબદાર છે. આ બધું થવા છતાં રેલવે નાળુ વિવાદનો મુદ્દો બનાવી અત્યારે કેટલાક તત્વો મારા ગામની પ્રજાને ગુમરાહ કરવા માંગે છે. આ ખોટું થાય છે. 

હું ચૂંટાઉ કે નહીં ચૂંટાઉ, ગરીબ અને દર્દીની સેવા કરવાનું વચન દસ વર્ષ પાળ્યું છે, વધારે ઉત્સાહથી પાળીશ. ચૂંટણી એ મારે માટે કોઈ પ્રતિષ્ઠા કે પૈસા મેળવવાનું સાધન નથી. હું મારું કામ કરતો રહીશ જ્યાં સુધી મારા આરાધ્યદેવ મારી સાથે છે. 

મારે આજે સિદ્ધપુરના વિકાસનું હિત જેમના હૈયે વસ્યું છે એવા ભાઈઓ, બહેનો યુવા મિત્રો તેમજ બહેનોને પૂછવું છે કે શું કોઈ વ્યક્તિ વારંવાર તમને પૈસાના જોડે બ્લેકમેલ કરે, શકુનીના સોગઠા ગોઠવે તે મંજૂર છે? 

મારે એ પણ પૂછવું છે કે હજુ હું ચૂંટણીનો કોઈ ઉમેદવાર નથી, સબરસ એ અનેક યુવકો અને બહેનોએ સ્વૈચ્છિક રીતે ઉપાડી લીધેલી સેવા પ્રવૃત્તિ છે, ત્યારે પહેલા હું માંદગીમાંથી ઉભો નહીં થાઉ એવી ચિંતા કરવી અને ત્યારબાદ હું ખુરશીમાંથી ઊભો નથી થઈ શકતો તો ચૂંટણી લડીને શું કરીશ, આ મારે નથી જોઈતું પણ મારા સામેના આ ગંદા અને ગલીચ આક્ષેપો જેમની સેવા માટે મેં જીવનના ત્રીસ વર્ષ કરતાં વધારે સમય ધૂણી ધખાવી છે, કોઈનો પૈસો લીધો નથી, સિદ્ધપુરમાં મારો કોઈ ઉદ્યોગ નથી, જમીનનો એક ચોરસ મીટરનો ટુકડો પણ નથી, મકાન નથી, દુકાન નથી, ક્યારેય સિદ્ધપુરમાંથી કોઈ પણ નિમિત્તે કશું ઉઘરાણું નથી કર્યું, તલવારની ધાર પર ચાલીને જીવ્યો છું, એવી વ્યક્તિને તમે મત આપો કે ના આપો તે તમારી મરજી. જોકે આજની તારીખે મેં મારી જાતને કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી અને મારી પાસે ધોધમાર વરસાદ વરસાવે એવા પૈસા પણ નથી. ૨૦૨૧થી જે કમનસીબી શરૂ થઈ તેણે મારી લગભગ બધી જ બચત સાફ કરી નાખી છે. લખવું અને જનજાગૃતિ માટે કોઈ વિષય પર લેક્ચર આપવા તે સિવાય કોઈ જ પ્રકારની અર્થ ઉપાર્જનની એટલે કે પૈસા કમાવાની પ્રવૃત્તિ હું કરતો નથી. હા, ઈશ્વરની કૃપાથી નિરાંતે દાળ રોટલો ખાઈ શકીએ એમાં કોઈ જ તકલીફ નથી, પણ રસોડા કરવા, ટૂંકા સમય માટે નોકરીઓ આપવી, પગારદાર માણસોની મદદથી રાજનીતિ કરવાની જેમની ફાવટ છે તે સામે ટકરાવાનું મારું ગજું નથી અને એ કામ જેમ વશિષ્ઠના યજ્ઞનું રક્ષણ કરવા રામલક્ષ્મણની શક્તિનો ઉપયોગ કર્યો બરાબર તે જ રીતે લોકશાહીના આ યજ્ઞમાં સિદ્ધપુરના હિતનું રક્ષણ કરવા ચૂંટણી ટાણે જ જેમને ધુણવાનું સૂઝે છે એવા સિદ્ધપુરના હિતના તોડનારાઓ સામે તાકાત બનીને ઉભા રહેવા હું સિદ્ધપુરના અબાલવૃદ્ધ સહુને આહવાન કરું છું. આ તત્વોની સાથે મોટી મોટી રાજકીય તાકાતો જોડાવાની છે, કીડી ઉપર કટક આવવાનું છે ત્યારે આજે ઉછરી રહેલી ભાવિ પેઢીના હિતમાં આપણે શું કરવું છે વિચારી લો. એક થોડી તસ્દી લઈને મને નીચેના સરનામે પત્ર લખશો તો આભારી થઈશ. મહેરબાની કરીને આ પોસ્ટની કોમેન્ટમાં કશું જ ના લખશો કારણ કે નાણાં કોથળીઓ હવે છૂટી ગઈ છે અને દરેક જગ્યાએ ભાષણો રેકોર્ડ કરવાથી માંડી સોશિયલ મીડિયા પર આવેલી માહિતી આપનારા સિદ્ધપુરના હિત વિરોધીઓ ગોઠવાઈ ગયા છે. 

મારે સિધ્ધપુરની પ્રજાને પૂછવું છે કે હજુ ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ, જાહેરનામું બહાર નથી પડ્યું કે પાર્ટીએ ઉમેદવારોની યાદી નથી જાહેર કરી ત્યારે કઈ સત્તા પાસેથી એમને સિદ્ધપુરમાંથી ચૂંટણી લડવા માટેની મંજૂરી મળી એ પણ સમજવા જેવું છે. તમે એ સમજશો તો ઘણું બધું ચોખ્ખું થઈ જશે કે સિદ્ધપુરના વિકાસને રોકવા માટે કઈ તાકાતો મેદાનમાં ઉતરી છે. 

ફરી એકવાર ચુંટણી આવે ત્યારે મારી જાતને એ હોડમાં મૂકવી એ પણ હજુ નક્કી નથી કર્યું. મારે તમારો અભિપ્રાય જોઈએ છે. નાનામાં નાનો પત્ર આવ્યો હોય તો હું જવાબ આપું છું. આજે આ જાહેર સ્ટેટમેન્ટ તમારી તૈયારી અને અભિપ્રાય જાણવા માટે મુકું છું. જો પત્ર લખીને પોસ્ટ કરવામાં આળસ આવતી હોય તો એક બંધ પરબીડિયું કપિલભાઈ પાધ્યાને, કિરણભાઈ ઠાકોરને અથવા નટુભાઈ પટેલ (ગેસ)ને હાથોહાથ આપશો તો મારા સુધી પહોંચી જશે. ‘આ બધા કોઈ મારા ખાસ માણસો છે’ એવો પણ પ્રચાર થશે કે ‘લો, તમને ગણ્યા કંઈ?’ મન મોટું રાખજો. સિદ્ધપુરના વિકાસ માટે જેની જરૂર પડશે એની પાસે હાથ લંબાવીશ અને તેમાં તમે બધા મારી આગલી હરોળના સાથીઓ છો.

આવજો

જય નારાયણ વ્યાસ