સુરત: ટ્રાફિક સિગ્નલો ને લઈને લેવાયો મોટો નિર્ણય : વાહનચાલકોને મળશે રાહત

સુરત: ટ્રાફિક સિગ્નલો ને લઈને લેવાયો મોટો નિર્ણય : વાહનચાલકોને મળશે રાહત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : ગુજરાત સહિત દેશભરમાં ગરમી કહેર વર્તાવી રહી છે. ત્યારે સુરત શહેરમાં ગરમીના પ્રકોપથી બચવા માટે વાહન ચાલકોને રાહત આપવામાં આવી છે. ગરમીની આગાહીને ધ્યાને રાખીને આવતા એક અઠવાડિયા સુધી બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. 

સુરતના ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી એ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ઉનાળાનો બળબળતો બપોર છે જેને લઈને ચાલકોને ભારે ગરમીમાં સિગ્નલ પર ઉભા રહેવા માંથી રાહત મળે તે માટે 20 એપ્રિલ, 2025 થી એક અઠવાડિયા માટે જનહિત ને ધ્યાનમાં રાખીને સુરતમાં બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લોકહિત માટે લેવાયો છે. 

ટ્રાફિક વિભાગના આ નિર્ણયથી ચાલકોને મોટી રાહત મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી બપોરના સમયે વિવિધ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવે તેવી ચર્ચાઓ ચાલતી હતી. તો વળી સમય અગાઉ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના કાર્યાલયને ટેલિફોનીક રજૂઆત કરાઈ હતી કે ઉનાળામાં ગરમીમાં ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રહે તો ચાલકોને ખૂબ જ રાહત થઈ શકે છે. છેવટે ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખરેખર ચાલકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.