ગતિશીલ ગુજરાતના પોકળ દાવા : એક Dy. CM, બે સાંસદ અને સાત ધારાસભ્યો છતાં મહેસાણા પ્રાંત કચેરી રામ ભરોસે !

પ્રાંત કચેરી નો ચાર્જ જેમને સોંપાયો છે એ અધિકારી પણ પૂનમના ચંદ્રની જેમ ક્યારેક જોવા મળે છે . જમીનના કેસોને લગતી 300થી વધારે ફાઇલોનો ખડકલો !

ગતિશીલ ગુજરાતના પોકળ દાવા :   એક Dy. CM, બે સાંસદ અને સાત ધારાસભ્યો છતાં મહેસાણા પ્રાંત કચેરી રામ ભરોસે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા જિલ્લામાં બે સાંસદ, સાત ધારાસભ્ય અને એક નાયબ મુખ્યમંત્રી હોવા છતાં પણ મહેસાણા પ્રાંત કચેરી નો વહીવટ રામભરોસે ચાલી રહ્યો છે. જેને લઇ મહેસાણા જિલ્લાના અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે આ બાબતે સાંસદો તેમજ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકાર આડા કાન કરી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી નું પણ સરકારમાં કંઈ ઊપજતું નહીં હોય ?

મહેસાણામાં  છેલ્લા ચાર માસથી પ્રાંત અધિકારી ની જગ્યા ખાલી પડી છે. જેને લઇને અરજદારોને રોજ બરોજ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જોકે આ પ્રાંત અધિકારીનો ચાર્જ જેમને સોંપાયેલ છે તે અધિકારી ભાગ્યે જ અહી કચેરીમાં જોવા મળતા હોય છે. જેથી અરજદારોને સમય અને નાણાં વેડફી ને ધક્કા ખાવાનો વારો આવે છે. 300થી વધારે ફાઇલોનો અહીં ખડકલો થયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા પ્રાંત કચેરીમાં છેલ્લા ચાર માસથી પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી છે. અહીં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વિમલ પટેલ ગાંધીનગર જતા અહીં જગ્યા ખાલી પડી છે જેને લઇને જમીનના કામો ઉપરાંત ઘણા બધા રેવન્યુ વિભાગના કામો અટકી પડ્યા છે. જોકે જમીન વિવાદની ઘણી બધી ફાઇલોનો ખડકલો પણ છેલ્લા ઘણા સમયથી થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે અરજદારો પોતાના સમય અને નાણાં વેડફીને કચેરી આવે છે ત્યારે તેમને ધક્કા ખાઈ અને પાછા જવાનો વારો આવે છે જેથી આ જગ્યા ઝડપથી ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે.