ભાજપમાં ભડકો : ભાજપના 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા ખળભળાટ

ભાજપમાં ભડકો : ભાજપના 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરવા હડફ  વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. એક સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે. 

મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણી  માં ત્રિકોણીય જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ બાદ આપ પણ ઉમેદવાર મેદાનમાં ઉમેદવાર ઉતારવા સક્રિય બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરાયો છે. મોરવા હડફના ખૂંદરા ગામે કાર્યકર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સંનિષ્ઠ અગ્રણી સહિત કુલ 300 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ડામોર સહિત કેટલાક ભાજપ સમર્થીત સરપંચ, કોંગ્રેસના પણ કેટલાક પૂર્વ હોદ્દેદારો આપમાં જોડાયા છે. ત્યારે પંમચહાલની પેટાચૂંટણી પહેલા સર્જાતી આ સ્થિતિ ભાજપ માટે મોટા ઝટકા સમાન છે. ભાજપમાં ગઈકાલે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 21 ઇચ્છુકોએ ટિકિટની માંગણી કરી છે.

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના સંયોજનથી અસ્તિત્વમાં આવતી મોરવા હડફ વિધાનસભા બેઠક ભૌગોલિક અને રાજકીય સમીકરણોની રીતે ઘણી વિસંગતતાઓ ધરાવે છે. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અને એ જ મુદ્દે અહીં અનેકવાર વિવાદો સર્જાયા છે. ગત ટર્મના આ બેઠકના વિજેતા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિ પ્રમાણપત્ર રદ્દ થતા સસ્પેન્ડ કરાયા હતા. જે સમગ્ર મામલાને ભુપેન્દ્રસિંહે કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ વચ્ચે જ માંદગીના કારણે ભુપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થયું હતું. જેના બાદ ચૂંટણી પંચે મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે.