ઊંઝા તાલુકામાં વિકાસ રૂંધાયો : 28 જેટલા ગામડાઓમાં છેલ્લા દોઢ વર્ષથી સરપંચો જ નથી : વહીવટદારો ના ભરોસે !

ઊંઝા તાલુકામાં વિકાસ રૂંધાયો : 28 જેટલા ગામડાઓમાં છેલ્લા દોઢ વર્ષથી સરપંચો જ નથી : વહીવટદારો ના ભરોસે !

ઊંઝાના 28 જેટલા ગામડાઓ માં દોઢ વર્ષથી સરપંચો જ નથી

સરપંચોની ચુંટણી ક્યારે થશે ? ચર્ચાતો સવાલ

ગામડાઓમાં વિકાસ કાર્યો  ધીમી ગતિએ

વહીવટદારો ના ભરોસે ગામડાઓ ! 

સરકારના પેટનું પાણીયે હાલતું નથી ! 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા તાલુકામાં 35 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. હાલમાં આ 35 ગામડાઓ પૈકી માત્ર સાત ગામડાઓમાં સરપંચ હોદ્દા ઉપર છે. જ્યારે બાકીના 28 જેટલા ગામડાઓ સરપંચ વિહોણા વહીવટદારના ભરોસે ચાલી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી ઊંઝા તાલુકાના 28 જેટલા ગામડાઓમાં સરપંચની સીટ ખાલી છે. હજુ સુધી સરપંચની સીટ માટેની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની કોઈ જાહેરાત થઈ નથી. જેને પરિણામે દોઢ વર્ષથી સરપંચ ની જગ્યાઓ ખાલી પડી છે. એટલું જ નહીં આ ખાલી જગ્યાઓ ઉપર વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે હાલ 28 જેટલા ગામડાઓમાં વહીવટદારોના ભરોસે વહીવટ ચાલી રહ્યો છે.

તાલુકા વિકાસ અધિકારી ઊંઝા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં કુલ 42 જેટલા તલાટીઓ કાર્યરત છે. જેમાં 28 જેટલા ગામડાઓમાં તલાટીઓને અરસપરસ ગામોમાં વહીવટદાર તરીકે નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ગામડાઓમાંથી જાણવા મળતી વિગતો મુજબ સરપંચોના અભાવે ગામડાના જરૂરી વિકાસ કાર્યો પર બ્રેક લાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગામડાના કેટલાક પ્રશ્નો ઉકેલવા માટે સરપંચ એક મહત્વની કડી બનતા હોય છે ત્યારે દોઢ વર્ષથી ખાલી પડેલી આ સરપંચની સીટ માટે ઝડપથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે