કોંગ્રેસના ગેહલોતે સાથે મુલાકાત બાદ ચર્ચા : સિદ્ધપુરમાં કોને મળશે ટીકીટ ? જય નારાયણ વ્યાસ કે બળવંતસિંહ રાજપૂત ?

કોંગ્રેસના ગેહલોતે સાથે મુલાકાત બાદ ચર્ચા : સિદ્ધપુરમાં કોને મળશે ટીકીટ ? જય નારાયણ વ્યાસ કે બળવંતસિંહ રાજપૂત ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે ગઈકાલે કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જે મુલાકાત કરી તેને લઈને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.જો કે તેમની આ મુલાકાત ને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી હતી ત્યારે આ મુલાકાત અંગે જય નારાયણ વ્યાસે પણ મીડિયા સામે ખુલાસાને લઈને કેટલીક મહત્વની વાતો કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, ‘હું ત્રણ પુસ્તક લખી રહ્યો છું. તેમાંથી એક પુસ્તક છે નર્મદા યોજના. તો તેને લઈને જરૂરી વિગતો પૂછવા માટે હું તેમની મુલાકાતે ગયો હતો.’ આ ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, રાજસ્થાનની પાણી આપવાની વ્યવસ્થા ખૂબ સારી છે. તો વળી તેમણે એમ પણ જણાવ્યું હતું કે મેં સિદ્ધપુર બેઠક પરથી દાવેદારી કરી છે અને મારું નામ ફર્સ્ટ નંબર પર ચાલી રહ્યું છે.

ત્યારે હવે જોવું એ રહ્યું કે સિદ્ધપુર બેઠક પર સમય અગાઉ બળવંતસિંહ રાજપૂત અને જય નારાયણ વ્યાસ હંમેશા એકબીજાની સામસામે ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ સમય અગાઉ બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસ છોડી અને ભાજપનો કેસરિયો ધારણ કરતા હવે એક સમયે સામસામે ચૂંટણી લડતા બંને નેતાઓ એક જ પક્ષમાં આવતા 'એક મ્યાનમાં બે તલવાર ' જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે સિદ્ધપુર બેઠક પર આ વખતે ભાજપમાંથી બળવંતસિંહ રાજપૂત અને જયનારાયણ વ્યાસ એમ બંને નેતાઓની દાવેદારી છે.

જોકે 2017 ની ચૂંટણીમાં જય નારાયણ વ્યાસ કોંગ્રેસના ચંદનજી ઠાકોર સામે ભાજપમાંથી ચૂંટણી હારી ગયા હતા.ત્યારે 2022 માં ફરીથી તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તો બીજી બાજુ 2017 માં બળવંતસિંહ રાજપૂતે ભાજપમાંથી ટિકિટ માગી ન હતી. પરંતુ આ વખતે તેમણે સિદ્ધપુર સીટ પર દાવેદારી નોંધાવી છે. હવે ભાજપ માટે પણ મૂંઝવણ એ છે કે આ બે દિગજ્જ નેતાઓમાંથી કોને ટિકિટ આપવી ? ત્યારે આ સમયે જય નારાયણ વ્યાસે કોંગ્રેસના અશોક ગેહલોત સાથે કરેલી મુલાકાતને કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ટિકિટ વેચણી માં બળવંતસિંહ રાજપૂત કે જય નારાયણ વ્યાસ આ બેમાંથી કોને અગ્રીમતા મળી શકે છે ?

કારણ કે જય નારાયણ વ્યાસ ભાજપના દિગજજ નેતા છે. એટલું જ નહીં પરંતુ પ્રખર અર્થશાસ્ત્રી અને પ્રખર રાજકારણી છે, તેવા સંજોગોમાં આ વખતે સિદ્ધપુરની બેઠક જીતવી એ ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. જોકે તાજેતરમાં સિદ્ધપુરના સેસા ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે હાજરી આપી હતી.જેમાં જય નારાયણ વ્યાસ અને સી આર પાટીલની કેટલીક તસવીરો સામે આવી હતી. આ તસવીરોમાં ક્યાંકને ક્યાંક બંને નેતાઓ એકબીજાની નિકટ હોય તેવું જોવા મળી રહ્યું હતું. ત્યારે હવે જોવું એ રહ્યું કે સિધ્ધપુર સીટ પર ભાજપ ની ટિકિટ માટે કોને લાગશે લોટરી ? અત્રે નોોંધનીય છે કે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ઓબીસી સમાજના મતો નું ભારે પ્રભુત્વ છે ત્યારે ભાજપ કોઈ નવો દાવ પણ અજમાવી શકે છે !