Exclusieve : ગુજરાતના રાજકીય આકાશમાં IAS મહેન્દ્ર પટેલનો પતંગ કેટલો ઊંચે જઈ શકે છે ? સી.આર.પાટીલે એક કાંકરે બે પક્ષી માર્યાની ચર્ચા

Exclusieve : ગુજરાતના રાજકીય આકાશમાં IAS મહેન્દ્ર પટેલનો પતંગ કેટલો ઊંચે જઈ શકે છે ? સી.આર.પાટીલે એક કાંકરે બે પક્ષી માર્યાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સંગઠન ની નિમણૂક કરવામાં માહિર સાબિત થયા છે. જોકે પ્રથમ સંગઠન ની યાદી જાહેર કર્યા બાદ બીજી સંગઠન યાદી માં સુરતના પૂર્વ કલેકટર આઇએએસ મહેન્દ્રભાઇ પટેલને ભાજપના સંગઠનના ઉપપ્રમુખ જાહેર કરતાની સાથે જ સમગ્ર ગુજરાત ભાજપમાં એક નવી આશાનો સંચાર થયો હતો. જોકે સીઆર પાટીલે મહેન્દ્ર પટેલ ની ભાજપ સંગઠનમાં નિમણૂક કરીને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતને ખુશ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યુંં છે. કારણકે મહેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના ઊંઝાના વતની છે તેમજ સૌરાષ્ટ્રના નરેશ પટેલની જેમ ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે. ઉપરાંત સુરતમાં જે તે સમયે કલેકટર તરીકેની તેમની કામગીરીથી માત્ર પાટીદારો જ નહિ પરંતુ તમામ લોકો ખુશ છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહેન્દ્ર પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તેને લઈને અનેક અટકળો ચાલતી હતી. 2017 ની ચૂંટણી દરમિયાન પણ ભાજપ તરફથી મહેન્દ્ર પટેલ ની ટિકિટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ આઈએએસ કક્ષાના અધિકારી મહેન્દ્ર પટેલ દ્વારા તેને રદિયો આપવામાં આવ્યો હતો અને પોતાના માટે રાજકારણમાં પ્રવેશવાનો ઉચિત સમય નહીં હોવાનું જણાવીને તેમણે અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

પરંતુ આખરે મહેન્દ્ર પટેલ નું નામ ભાજપ સંગઠનમાં જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો હતો. કારણકે મહેન્દ્ર પટેલ તેમના અધિકારી કાર્યકાળમાં સૌથી વધારે વ્યવહારુ અધિકારી પણ સાબિત થયા છે અને સરકારે તેમના કાર્યની કદર કરીને તેમને સન્માનિત પણ કર્યા છે. જોકે વિવિધ રાજકીય તજજ્ઞો મહેન્દ્ર પટેલની નિમણૂંકને અલગ અલગ તર્કથી દર્શાવી રહ્યા છે કારણકે મહેન્દ્ર પટેલ ની ભાજપ સંગઠનમાં થયેલી નિમણૂકને જુદા જુદા પ્રકારે હાઈલાઈટ પણ કરવામાં આવી છે. ત્યારે 182 સીટ જીતવાની જાહેરાત કરનાર પાટીલે  મહેન્દ્ર પટેલ ની નિમણૂક કરીને પોતાની રાજકીય કુનેહ પ્રગટ કરી છે.

તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે સી આર પાટીલ આગામી સમયમાં મહેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં પણ ઉતારી શકે છે. જોકે જ્યારથી ગુજરાતમાં રૂપાણી સરકાર નું શાસન શરૂ થયું ત્યારથી ગુજરાત મોડેલ કોઈને કોઈ પ્રકારે ચર્ચાસ્પદ રહ્યું છે. તો બીજી બાજુ દિલ્હી મોડેલ સમગ્ર દેશમાં છવાઈ ગયું છે ત્યારે આગામી સમયમાં એકવાર પુનઃ ગુજરાત મોડેલને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નંબર વન બનાવવા માટે સી.આર.પાટીલ એક ઉચ્ચ કક્ષાના અધિકારીને ઉચ્ચ પદ પર બિરાજમાન કરી શકે છે .વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર જે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં આવેલ છે એ ઊંઝાના મહેન્દ્ર પટેલ વતની છે. ઉપરાંત નરેન્દ્ર મોદીના પણ તેઓ ખૂબ જ વિશ્વસનીય હોવાનું જગજાહેર છે. ત્યારે હવે આગામી સમયમાં મહેન્દ્ર પટેલ નો  પતંગ ગુજરાતના રાજકારણમાં કેટલો ઊંચો જશે તે જોવું રહ્યું !