સુરત : CM કેજરીવાલની ગુજરાત મુલાકાત પૂર્વે સી.આર.પાટીલને મોટો ઝટકો, AAP એ કરી કમાલ

સુરત : CM કેજરીવાલની ગુજરાત મુલાકાત પૂર્વે સી.આર.પાટીલને મોટો ઝટકો, AAP એ કરી કમાલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પૂર્વે આમ આદમી પાર્ટી ભાજપને એક ઉપર એક ઝટકા આપી રહી છે જોકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણામાંથી 50થી વધારે યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ત્યાં હવે સી આર પાટીલ ના ગઢ ગણાતા સુરતના લિંબાયત વિસ્તારમાં થી 60થી વધારે ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરતાં જાણે ભાજપ ના પગ નીચેથી રાજકીય બાજી સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ સુરતના પ્રમુખ વશરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ સંજય ભાઈ પ્રજાપતિની સાથે પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ત્યારે આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ને આવકારવા માટે સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી, શહેર ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઇ પરમાર તથા શહેર ટીમના સાથી ઇ. કે. પાટીલ અને દિપકભાઈ પાટીલ હાજર રહ્યા હતા.અને નવા જોડાનાર સૌ આગેવાનો અને કાર્યકરોને આવકાર્યા હતા.

અત્રે નોંધનીય છે કે સુરતમાં આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વિજેતા થયા છે. તેમજ આ 27 નગરસેવકોની કાર્યપદ્ધતિને સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે. આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ જોઈને ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં હવે ભાજપ અને કોંગ્રેસ થી નારાજ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. જો કે ગઇકાલે મળેલી પાટીદાર સંગઠનો ની મીટિંગ દરમિયાન ખોડલધામ નરેશ પટેલે આમ આદમી પાર્ટીની કોરોના કાળની કાર્યપદ્ધતિને બિરદાવીને રાજકીય માહોલ ગરમ કર્યો હતો. ત્યારે હવે ક્રમશઃ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા કાર્યકરોને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપની ચિંતામાં વધારો થાય તો નવાઈ નહિ !