Exclusive: ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખની નિયુક્તિને લઈ કાર્યકરોમાં કહી ખુશી કહી ગમ !

Exclusive: ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખની નિયુક્તિને લઈ કાર્યકરોમાં કહી ખુશી કહી ગમ !

નવ નિયુક્ત પ્રમુખ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર રહી ચુકેલ છે.

અગાઉ 2013 થી 2015 માં ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.પણ નીરસ કામગીરી

2017 માં કોંગ્રેસના ઉમેદવાર સાથે હોવાની ચર્ચા

તેમના કાર્યકાળમાં નોંધપાત્ર વિકાસ કાર્યો અંગે પૂછતાં તેમણે નનૈયો ભણ્યો

સંગઠનના અન્ય સક્રિય સભ્યોની બાદબાકી કરી અગાઉ હોદ્દાઓ ભોગવી ચૂકેલ 65 વર્ષના કાર્યકરને તાલુકા પ્રમુખ બનાવાયા 

કાર્યકરોમાં કહી ખુશી કહી ગમ ?

સંગઠન મજબૂત બનશે કે નબળું પડશે એતો આવનાર સમય જ બતાવશે !

નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ એક બાજુ શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને બીજી બાજુ સંગઠનમાં હોદ્દાઓ ભોગવતા હતા ત્યારે કાર્યક્રમમાં રહેતી તેમની વધુ ગેરહાજરી !

સંગઠનમાં વર્ષોથી સક્રિય બનીને કામગીરી કરતા કાર્યકરોની અવગણના થતા કાર્યકરોમાં છુપો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈ પટેલ ઉર્ફે એલ એમ પટેલ પાસેથી રાજીનામું લઈ લેવાયા બાદ નવા તાલુકા ભાજપ પ્રમુખ ની નિમણૂક કરવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવ્યો હતો. ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અહેવાલ બાદ એકાએક જિલ્લા ભાજપ  દ્વારા આજે ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ચર્ચાતી વિગતો મુજબ ધારાસભ્યના માનીતા એવા બ્રાહ્મણવાડા ના વતની નટવરભાઈ એમ.પટેલ ને ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે.

અત્રે નોંધનીય છે કે નવનિયુક્ત તાલુકા પ્રમુખ નટવરભાઈ એમ પટેલ અને તેમના ધર્મ પત્ની 1995 થી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે.એટલું જ નહીં નટવરભાઈ એમ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ 2013 થી 2015 દરમિયાન તેઓ ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. ત્યારે સંગઠનમાં મહત્વના મુદ્દા ઉપર રહેનાર નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ ને જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પૂછવામાં આવ્યું કે તેમના કાર્યકાળમાં ઊંઝા તાલુકામાં થયેલ મહત્વના વિકાસ કાર્યો કેટલા તો તેના પ્રત્યુતરમાં તેમણે નનૈયો ભણ્યો હતો.

બીજી બાજુ નગરમાં અને સમગ્ર તાલુકા માં ચાલતી ચર્ચાઓ મુજબ અનેક હોદ્દા ઉપર રહી ચૂકેલ નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ હાલમાં 65 વર્ષની ઉંમરના છે. બીજી બાજુ ભાજપ યુવાઓને તક આપવાની વાતો કરે છે.પરંતુ ઊંઝામાં થયેલ તાલુકા ભાજપ પ્રમુખ ની નિયુક્તિ કંઈક જુદું જ ચિત્રો ઊભું કરે છે. વળી અનેક સક્રિય કાર્યકરોની બાદબાકી કરીને વર્ષોથી અગાઉ પણ હોદ્દાઓ ભોગવી ચૂકેલ કાર્યકરને ફરીથી હોદ્દો આપવા કે અપાવવા પાછળ કોની જીદ કારણભૂત હોઈ શકે છે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.