અમરેલીની કવિયત્રીએ સોશ્યલ મીડિયામાં આગ લગાવી : 'રાજા મેરા નંગા' રાજ, તમારા રામરાજ્યમાં  શબવાહિની ગંગા

અમરેલીની કવિયત્રીએ સોશ્યલ મીડિયામાં આગ લગાવી : 'રાજા મેરા નંગા' રાજ, તમારા રામરાજ્યમાં  શબવાહિની ગંગા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  કોરોના કાળમાં સરકારની કામગીરી સામે લોકો સોશિયલ મીડિયામાં કોઈના કોઈ પ્રકારે રોષ વ્યક્ત કરી રહ્યા છે એમાંય તાજેતરમાં ગંગા નદીમાં તણાઈ આવેલા શબને લઈ ને લોકો નો હૈયું વલોવાઈ ગયું છે લોકોમાં કંઈક સરકારની કામગીરી પ્રત્યે રોષની સંવેદના પ્રગટી છે ત્યારે અમરેલીની એક કવિયત્રી એ સાંપ્રત સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રચેલી કવિતાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

અમરેલીની કવિયત્રી 'પારુલ ખખ્ખર ' દ્વારા રચાયેલી આ કવિતામાં ક્યાંકને ક્યાંક સરકારની નિષ્ફળતાઓ સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોરોના કાળમાં સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. જો કે હોસ્પિટલમાં દર્દીઓને ક્યાંક બેડ નહોતા મળતા. ક્યાંક ઇન્જેક્શન નહોતા મળતા. તો વળી ક્યાંક વેન્ટિલેટર નો અભાવ હતો અને ઓક્સિજનના અભાવે લોકો મોતને ભેટ્યા તો સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ લાંબી લાઈનો લાગતી હતી. તો વળી બિહારની ગંગા નદીમાં કેટલાક મૃતદેહો મળી આવ્યા એ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, ત્યારે અમરેલીની આ કવિયત્રી ના હૃદયમાંથી નીકળેલા આગઝરતા શબ્દોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

પારુલ ખખ્ખર દ્વારા રચાયેલી કવિતા.....

એક અવાજે મડદા બોલ્યાં 
'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં 
શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા,
 ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, 
ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી 
કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં
 શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી 
ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, 
ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે
 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં
 શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને 
દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે 
આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  
'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં 
શબવાહિની ગંગા.