સુરત : સાંસદ દર્શના જરદોશની વાયરલ તસવીરોને લઈ લોકો પૂછે છે, " શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે ?"

સુરત : સાંસદ દર્શના જરદોશની વાયરલ તસવીરોને લઈ લોકો પૂછે છે, " શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે ?"

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  હોળી-ધુળેટીના તહેવાર પર સરકારે પાબંધી લગાવી છે. જેમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત હોળી દહનની પણ નિયમોને આધિન છૂટછાટ આપવામાં આવી હતી. ધુળેટીના તમામ કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ અનેક ઠેકાણે નેતાઓ નિયમો તોડતા જોવા મળી રહ્યા છે. આ જ સમયે હવે સાંસદ દર્શનાબેનની તસવીરો વાયરલ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્ર સામાન્ય લોકો નિયમ તોડે તો મોટા દંડ પકડાવી દે છે, જ્યારે નેતાઓ નિયમ તોડે તો આંખ આડા કાન કરી લે છે.

સુરતમાં તો રવિવારે 775 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દરમિયાન સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની અમુક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં સાંસદ હોળી પૂજા વખતે માસ્ક વગર જોવા મળી રહ્યા છે. આ સમયની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું નથી. એક તરફ તંત્રએ હોળી અને ધુળેટીની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે લોકોના પ્રતિનિધિઓ જ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. તસવીરો વહેતી થતા જ સુરતના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ તંત્ર સામાન્ય લોકો પર નિયમોનો કોરડો વીંઝી રહ્યું છે ત્યારે નેતાઓને સામે કોઈ જ પગલાં ભરવામાં નથી આવી રહ્યા.