ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ભારત બંધની વાયરલ ફેસબુક પોસ્ટથી ખળભળાટ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ભારત બંધની વાયરલ ફેસબુક પોસ્ટથી ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :   હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને લોકો પરેશાન છે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ સો રૂપિયા કરતાં પણ હવે વધી રહ્યો છે ત્યારે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લીધે તેની અસર અન્ય જીવન જરૂરિયાત વસ્તુ ઉપર પડવાથી મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ લોકોને 'અચ્છે દિન' ના સ્વપ્ન બતાવી ને સત્તામાં આવેલી ભાજપ સરકારના પેટનું પાણીયે હાલતું નથી. એક સમયે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતો ત્યારે ભાજપના નેતાઓ રોડ રસ્તા ઉપર આવી જતા હતા અને તત્કાલીન સરકારના છાજીયા લેતાં હતા. એ જ નેતાઓ આજે પૂંછડી દબાવીને બેસી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની એક ફેસબુક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની આ વાયરલ ફેસબુક પોસ્ટમાં ૩૧ મે ૨૦૧૨ના રોજ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. કારણ કે તે સમયે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. જેને લઇ ભાજપ સહિત અનેક પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે તે સમયે સી.આર. પાટીલે તેમની ફેસબુક પોસ્ટ પર સુરતના લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ની વિરુદ્ધમાં અપાયેલા એલાનમાં જોડાવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું. જો કે સવાલ એ થાય છે કે જે કામગીરી વિરોધ પક્ષમાં રહીને કરી હતી એ કામગીરી હવે સત્તા પક્ષમાં રહીને કરવામાં કોની શરમ આડે આવે છે? હાલમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે ? એ પ્રશ્ન દરેકના મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. શું વર્તમાન સરકારે પણ માત્રને માત્ર સત્તા હાંસલ કરવા માટે જ લોકોને અચ્છે દિનના ખોટા વચનો આપ્યા હતા ?

સી.આર.પાટીલની વાયરલ પોસ્ટ....

ભારત બંધ - ૩૧ મે ૨૦૧૨....
               પેટ્રોલના ભાવવધારાથી આ દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ૨૦૦૯ માં જાન્યુઆરીમાં પેટ્રોલનો ભાવ 40.62 હતો. મનમોહનસિંહજીએ 2009 નાં ઇલેક્શનમાં આ દેશના લોકોને ૧૦૦ દિવસમાં ભાવ ઘટાડવાની ખાતરી આપી હતી. મનમોહનસિંહજી એક અર્થશાસ્ત્રી હોવાને નાતે લોકોએ વિશ્વાસ કરી કોંગ્રેસને મતો આપ્યા હતા. ૧૦૦ દિવસમાં ભાવ ઘટવાને બદલે જુલાઈ ૨૦૦૯ માં જ પેટ્રોલનો ભાવ 44.63 વધાર્યો હતો. ત્રણ વર્ષમાં 16 વખત ભાવવધારો કરીને 40.62 માંથી 77.92 રૂ. લીટરનાં લઈ આવ્યાં છે. પેટ્રોલના અને ડીઝલના ભાવવધારાની સીધી અસર સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલ નહી વાપરનારા લોકો પર પણ થાય છે અને સામાન્ય ગૃહિણીએ પોતાના ઘરની આવકમાં મહિનો પૂર્ણ કરવામાં નવનેજા પાણી આવે છે. 
 
           ૩૧ મી મે ૨૦૧૨ નાં દિવસે ભારતીય જનતા પાર્ટી સહિત આ દેશના તમામ વિરોધ પક્ષો એ એક અવાજે ભારત બંધનું એલાન આપ્યું છે. અને સુરતના તમામ ઉદ્યોગકારો, ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ, ડાયમંડ એસોસિયેશનના તમામ વેપારીઓ, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર એસોસિયેશન, સુરત શહેર રીક્ષા એસોસિયેશન તથા નાનામોટાં વેપારીઓ સહિત આ બંધના એલાનને આવકારે છે અને સપોર્ટ કરે છે. આપ સૌને પણ આ બંધમાં જોડવા માટે નિમંત્રણ.......