દેશમાં મોદી વેવ છતાં ગુજરાતમાં લોકસભાના ભાજપ ઉમેદવારોની પીછે હઠ કેમ ? જીત માટે આત્મ વિશ્વાસનો અભાવ કે પછી આંતરિક રાજકારણ જવાબદાર ?

દેશમાં મોદી વેવ છતાં ગુજરાતમાં લોકસભાના ભાજપ ઉમેદવારોની પીછે હઠ કેમ ? જીત માટે આત્મ વિશ્વાસનો અભાવ કે પછી આંતરિક રાજકારણ જવાબદાર ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં ભાજપે 26 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જોકે બે લોકસભા સીટો પર ભાજપ એ ઉમેદવાર બદલવાનો વારો આવ્યો છે. કારણ કે ઉમેદવારોએ સામેથી જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી હતી. ત્યારે સ્વાભાવિક પણે સવાલ એ પેદા થાય છે કે સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે ત્યારે એકાએક આ બંને સીટ પરના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે અનિચ્છા કેમ પ્રગટ કરી ? શું તેમને મોદી લહેર છતાં પોતાની જીત માટેનો આત્મવિશ્વાસ નહીં હોય કે પછી આંતરિક રાજકારણ અને ખેંચતાણ તેમજ વિરોધને કારણે ઉમેદવારોએ પીછેહઠ કરી હશે ?

જો કે ભાજપે માત્ર બે જ બેઠકો ઉપર ઉમેદવાર બદલ્યા છે, પરંતુ ગુજરાતની 26 માંથી કેટલીક બેઠકો એવી છે જેમાં ભાજપને અંદરનું જ રાજકારણ ક્યાંક ને ક્યાંક ભારે પડે એવી સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ભાજપ અધ્યક્ષ દ્વારા જે ભરતી મેળાઓ શરૂ કરવામાં આવ્યા છે તે જોતા પાયાના કાર્યકરો નું મન ક્યાંક ને ક્યાંક દુભાયું હોઇ શકે છે. પક્ષ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર પાયાના કાર્યકરોનો આત્મા દુભાયો હોઇ શકે છે.પરંતુ કહેવાતી પક્ષ ની શિસ્તને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ મૌન ધારણ કરીને બેઠા હોય તેવું બની શકે છે એટલે કાર્યકરોનો આ છૂપો રોષ જો ચુંટણી દરમ્યાન નિષ્ક્રિયતા દાખવે તો ભાજપને ભારે પડી શકે છે.

જોકે હાલમાં ગુજરાતમાં ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે ચૂંટણી માત્ર વન સાઈડ જ રહેશે. કારણ કે કોંગ્રેસે ઘણા સમયથી મૌન  ધારણ કરી લીધુ છે. કોંગ્રેસનું આ મૌન ભાજપને ભારે ખૂંચી રહ્યું છે. જો કે અંદરખાને કોંગ્રેસે કેટલીક બેઠકો ઉપર જે રીતે મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તે જોતા એવું લાગે છે કે કદાચ 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 માંથી 26 સીટો મેળવવામાં ફાંફા પડે તો નવાઈ નહીં ! તો વળી ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાઓને કારણે પક્ષના પાયાના કાર્યકરોનું જે મન દુઃખ થયું છે તેને લઈને પણ કદાચ ભાજપ એ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં ! જોકે મતદાન ના દિવસે મતદાતાઓનું મન કઈ તરફ જશે એ તો આવનાર સમયે બતાવશે.