Exclusive : રૂપાણી સરકારની લાલીયાવાડીને લીધે 1 વર્ષમાં કેટલી કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી ? કેટલા લોકો મોતને ભેટ્યા ? જાણો સમગ્ર અહેવાલ

Exclusive : રૂપાણી સરકારની લાલીયાવાડીને લીધે  1 વર્ષમાં કેટલી કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી ? કેટલા લોકો મોતને ભેટ્યા ? જાણો સમગ્ર અહેવાલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ગઈકાલે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લાગેલી આગમાં આશરે 15થી વધારે લોકો મોતને ભેટ્યા અને રૂપાણી સરકારે મૃતકો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી દીધી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. એવું નથી કે આ પહેલીવાર કોવિડ હોસ્પિટલ માં આગ લાગી હોય અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ શહેરોમાં 7 થી વધારે વખત કોવિડ હોસ્પિટલ માં આગજની ની ઘટનાઓ ઘટી છે. એક વર્ષમાં 7 વધારે ઘટનાઓ ઘટવા છતાં પણ રૂપાણી સરકારે તેમાંથી બોધપાઠ લેવાને બદલે માત્ર અને માત્ર સહાય જાહેર કરીને જવાબદારીમાંથી હાથ ખંખેરવા સિવાય બીજું કંઈ જ કર્યું નથી.

સૌથી દુઃખદ બાબત તો એ છે કે એક વર્ષમાં છ જેટલી કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગને પરિણામે આશરે 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે પોતાની જાતને સંવેદનશીલ ગણાવતા અસંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માત્રને માત્ર મૃતકોના પરિવારજનોને બે, ત્રણ, ચાર લાખ રૃપિયાની સહાયની જાહેરાત કરીને નિર્દોષ લોકોની જિંદગીને રૂપિયાના તોલે મૂલવી ને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા છે એ ખરેખર સૌથી મોટી શરમજનક બાબત છે.

અત્રે મહત્વની વાત એ છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલ ના સહારે પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા છે એ ગુજરાત મોડેલ આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધારે બદનામ રૂપાણી ના નેતૃત્વમાં થયું છે. હાલમાં કોરોના કહેર ને લીધે લોકો ઠેર-ઠેર જિંદગીની ભીખ માગી રહ્યા છે. ક્યાંક હોસ્પિટલોમાં બેડની સુવિધા નથી, તો ઓક્સિજનની બુમરાડ ઉઠી રહી છે, તો બીજી બાજુ સંજીવની ગણાતા ઇન્જેક્શનો ની કાળાબજારી ચાલી રહી છે. છતાં પણ સરકાર આંખમીંચામણાં કરીને જાહેરાતો કરવા સિવાય બીજું કાંઈ જ કરી શકતી નથી. ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી રૂપાણી સરકાર ગુજરાતમાં આવી લાલિયાવાડી ચલાવતી રહેશે. સોશિયલ મીડિયામાં સરકાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, પરંતુ સરકાર જાણે આંધળી અને બહેરી હોય એમ શાસન ચલાવી રહી છે.

1 વર્ષમાં કોવિડ હોસ્પિટલોમાં આગજની ની ઘટનાઓ

8 સપ્ટેમ્બર 2020: વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી

25 ઓગસ્ટ 2020: જામનગરની GG હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી

26 નવેમ્બર 2020: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, પાંચ દર્દીના મોત


6 ઓગસ્ટ 2020: અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં

17 માર્ચ 2021: વડોદરાની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ, 23 દર્દી ભૂંજાતાં બચ્યાં

25 એપ્રિલ 2021: સુરતની આયુષ હોસ્પિટલના આગ: શિફ્ટ કરતી વખતી 5 દર્દીના મોત

30 એપ્રિલ 2021: ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ: 16ના મોત