Exclusive : 1000 કરોડના રાહત પેકેજ માં ખેડૂતોને શુ મળશે ? સરકાર ખેતી પાકને થયેલ નુકશાન અંગે ચૂપ કેમ છે ?

Exclusive : 1000 કરોડના રાહત પેકેજ માં ખેડૂતોને શુ મળશે ? સરકાર ખેતી પાકને થયેલ નુકશાન અંગે ચૂપ કેમ છે ?

1000 કરોડના રાહત પેકેજમાં ખેડૂતોને શુ મળશે ?

ખેડૂતો માટે સરકારે કેમ કોઈ જાહેરાત નથી કરી ?

વાવાઝોડામાં સૌરાષ્ટ સહિત સમગ્ર ગુજરાતમાં ખેતીના પાકને થયેલું નુકશાન નેતાઓને કેમ ના દેખાયું ?

ખેડૂતોને 2000 હજારના હપ્તા સિવાય આવક બમણી કરવાની વાતો કરતી સરકારે શુ કર્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ-દિખા સો લિખા ) : ગુજરાતમાં વાવાઝોડાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હવાઇ નિરીક્ષણ કર્યા બાદ ગુજરાતને એક હજાર કરોડના રાહત પેકેજની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી. જેમાં આ વાવાઝોડામાં મૃત્યુ પામનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર તરફથી છ લાખ રૂપિયાનું વળતર મળનાર છે. જોકે સરકારે હજુ સુધી ખેડૂતો માટે કોઈ નક્કર જાહેરાત કરી નથી. આ વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. છતાં પણ સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ ચોક્કસ રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી નથી.

જોકે આમ પણ ખેડૂત સતત સંઘર્ષ કરતો આવ્યો છે. ખેડ ખાતર અને પાણી મોંઘા થાય છતાં પણ ખેડૂત નુકસાન વેઠીને પણ ખેતી કરે છે અને જ્યારે આવી કુદરતી આપત્તિ આવે છે ત્યારે એ નુકસાન વેઠીને પણ કરેલી ખેતી નિષ્ફળ જતી હોય છે છતાં સરકાર સર્વે કર્યા બાદ ખેડૂતને સહાય કરવા માટે વિચાર કરતી હોય છે. અને એમાં કદાચ સહાય કરે તો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ સહાય કરતી હોય છે જેનાથી ખેડૂતને કોઈ અસરકારક ફાયદો થતો નથી.

તાજેતરમાં ગુજરાતમાં આવેલા વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેતીના પાકને તેમજ બાગાયતી પાકને સૌથી મોટું નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું ખેતીના પાકને નુકસાન થયું છે છતાં પણ સરકારે આ દિશામાં કોઈ નક્કર જાહેરાત કરવાની તસ્દી લીધી નથી અને કદાચ સરકાર જાહેરાત કરે તો પણ એવા આંટીઘૂંટી વાળા નિયમો બનાવવામાં આવતા હોય છે કે જેથી સ્વમાનના ભોગે ખેડૂત રાહત લેવાનું માંડી વાળતો હોય છે.

ખેતીપ્રધાન દેશ કહેવાતા ભારતમાં ખરેખર ખેડૂતોની સ્થિતિ કફોડી છે. સરકાર દ્વારા જ્યારે ચૂંટણી જીતવાની હોય ત્યારે ખેડૂતોને મોટા મોટા સ્વપ્ન બતાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ સપનાઓને સરકાર દિવાસ્વપ્નમાં ખપાવી દેવાની હરકતો કરતી હોય છે. ખેડૂત ની આવક બમણી કરવા ની વાતો કરતી સરકારે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખેડૂત દિન પ્રતિદિન પાયલ બનતો જાય છે અને નક્કર હકીકત એ છે કે ખેડૂતો પોતાના સંતાનોને ખેતી ન કરવાને બદલે નોકરી કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે કારણ કે અંતે તો તેઓ જાણે છે કે ખેતી માંથી મહેનત પ્રમાણે ઉપજતું નથી હોતું. બળબળતા તાપમાં પરસેવો પાડ્યા પછી પણ ખેડૂત ને એની મહેનતના પ્રમાણમાં તેનું ફળ પ્રાપ્ત થતું નથી.

સૌથી દુખદ બાબત એ છે કે સરકારે ખેડૂતો ની સ્થિતિ સુધરે તે માટે 2000 ના હપ્તા આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરી નથી. ત્યારે ગુજરાતમાં આવેલા આ વાવાઝોડાને પરિણામે ખેડૂતોના નિષ્ફળ પાક ને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજ જાહેરાત કરીને તેની રકમ નાખવામાં આવે એના માટે કોઈ પણ પ્રકારના આંટી ઘૂંટી વાાળા નિયમોને આગળ ધરીને રાહત પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં ન આવે તે વર્તમાન સમયની માંગ છે.