Dy.CM નીતિન પટેલે સમય અગાઉ કરેલી ભૂલ આજે ભાજપને ભારે પડી રહી છે : સી.આર.પાટીલ પણ અકળાયા છે

Dy.CM નીતિન પટેલે સમય અગાઉ કરેલી ભૂલ આજે ભાજપને ભારે પડી રહી છે : સી.આર.પાટીલ પણ અકળાયા છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :   હાલમાં સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં મોટાભાગે ભાજપનું શાસન છે. જેમાં સુરતમાં મહાનગર પાલિકામાં વર્ષોથી ભાજપે અડીંગો જમાવ્યો છે જેમાં વિરોધ પક્ષમાં કોંગ્રેસ રહેતું હતું. પરંતુ કોંગ્રેસની ભાજપ સાથેની મિલીભગતને કારણે ભાજપના સત્તાધીશો મનફાવે તેમ શાસન કરતા હતા. પરંતુ આ વખતે સુરત મહાનગર પાલિકામાં ભાજપના શાસકોની વહીવટી બાબતોમાં 'લોઢાના ચણા ચાવવા' જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

જેના પાછળનું મુખ્ય કારણ છે ઈમાનદાર આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો કે જેઓ હાલમાં સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા અદા કરી રહ્યા છે. વિરોધ પક્ષની ભૂમિકા અદા કરનારા 27 નગરસેવકો ભાજપના નગરસેવકોએ કરતા અનેક ગણા શિક્ષિત છે. જેને લઇ જ્યારે જ્યારે સામાન્ય સભા બોલાવવામાં આવે અને એમાં AAP ના નગરસેવકો હાજર હોય ત્યારે ભાજપના નગર સેવકો ની બોલતી બંધ થઈ જતી હોય છે. અર્થાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સમય અગાઉ આપેલું નિવેદન એ સત્ય હકીકત પુરવાર થઈ રહ્યું છે. સીઆર પાટીલે કહ્યું હતું કે સુરતમાં ' સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે.'

જોકે સુરતમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની પ્રશંસનીય કામગીરી ની સુવાસ આખા ગુજરાતમાં ધીમે ધીમે પ્રસરી રહી છે. અને સમગ્ર ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વાતાવરણ લોકોના દિલોદિમાગમાં સર્જાઇ રહ્યું છે. વળી તાજેતરમાં ભાજપ દ્વારા જે કોરોનાની મહામારી નબળી કામગીરી કરવામાં આવેલી છે તેને લઈને પણ લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેથી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવી એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થાય તો નવાઇ નહીં !

હાલમાં ભાજપે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાનો જે સામનો કરવો પડી રહ્યો છે તેના પાછળ ક્યાંક ને ક્યાંક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભૂલ જવાબદાર માનવામાં આવે તો કદાચ અતિશયોક્તિભર્યું નથી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કે જેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સશક્ત બનાવી છે. આ ગોપાલ ઇટાલીયા સમય અગાઉ પોલીસમાં નોકરી કરતા હતા, તે વખતે તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની દારૂ ને હેરફેર અને વેચાણ ને લઈને ફોન કરેલો. ત્યારે નીતિન પટેલ સાથે તેમની જીભાજોડી થયેલી અને પરિણામે ગોપાલ ઇટાલીયા ના સવાલોનો સામનો કરવામાં અસમર્થ રહેલ નીતિન પટેલ અને ગોપાલ ઇટાલીયા ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગુસ્સે ભરાયેલા નીતિન પટેલના ઈશારે ગોપાલ ઇટાલીયા નોકરીમાંથી બરતરફ થયેલ.

બસ ત્યારથી જ સરકારની ખોટી નીતિઓ અને આવી અસામાજિક બદીઓ સામે મક્કમતા પૂર્વક લડવાનું ગોપાલ ઇટાલીયા ના દિલોદિમાગમાં છવાઈ ગયું અને છેવટે સોશિયલ મીડિયા થકી યુવાનોમાં લોકપ્રિય બનેલ ગોપાલ ઇટાલીયા ની સ્વચ્છ છબી ને ધ્યાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી અને ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં જબરજસ્ત દેખાવ કર્યો.

ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોની મુખ્ય સમસ્યાઓ ને જબરજસ્ત વાચા આપવામાં આવી. એટલું જ નહિ આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી જેવી સુંદર વ્યવસ્થાઓ લોકોને આપી શકે છે એવો વિશ્વાસ લોકોમાં પેદા કર્યો જેને લઇ લોકો એ ક્યાંકને ક્યાંક પોતાની પસંદગી આમ આદમી પાર્ટી ઉપર ઉતારી અને સુરતમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ૨૩ જેટલા કોર્પોરેટરોનો ભવ્ય વિજય થયો.

સુરત મહાનગરપાલિકાના આ 27 કોર્પોરેટરો દ્વારા કોરોના કાળમાં પોતાના વોર્ડના વિસ્તારોમાં isolation covid કેર સેન્ટર શરૂ કરીને જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીની સુવાસ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે. એટલું જ નહિ આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રમાં પણ પ્રશંસનીય કામગીરી કરી છે. જેને લઇ સુરતમાં રહેલા સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજ લોકો પણ હવે આમ આદમી પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે જોડાયા છે. જેથી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ છે.આમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગોપાલ ઇટાલીયા ને નોકરીમાંથી બરતરફ કરાવવાની કરેલી આ ભૂલ હવે ભાજપને ભારે પડે તો નવાઈ નહીં !