રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડાએ સર્જી તારાજી : ક્યાં કેટલું નુકશાન થયું ? હાલમાં વાવાઝોડા ની શુ છે સ્થિતિ ? જાણો

રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડાએ સર્જી તારાજી :  ક્યાં કેટલું નુકશાન થયું ? હાલમાં વાવાઝોડા ની શુ છે સ્થિતિ ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજયમાં હાલ વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે. રાજયના અનેક ઠેકાણે હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ શહેરમાં સુસવાટા સાથે પવન ફુંકાઇ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. રસ્તા પર વાહનવ્યવહારો થંભી ગયા છે. હાલ વાવાઝોડું અમદાવાદ શહેર પર પ્રકોપ વરસાવી રહ્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયના હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક રાજય માટે ભારે હોવાનું કહ્યું છે.

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે. વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે. જેની ગતિ ૧૫૦થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. જેનાથી જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થયેલ છે. જેના કારણે ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે / અતિભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં કુલ ત્રણ મોત, બે લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હોવાના અહેવાલ છે.

રાજ્યના 2437 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. સબ સ્ટેશન 220kv ઉપર પણ બંધ પડ્યા છે. સરકારી આંકડા મુજબ, 1081 થાંભલા પડી ગયા છે. 159 રસ્તાઓને નુકસાન થયું છે. 40000 વૃક્ષો પડી ગયા છે અને 196 રસ્તાઓ બંધ થયા છે.રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ-તે’ વાવાઝોડું હાલ બોટાદની આસપાસ કેન્દ્રીત થયું છે, જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાનું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. પરંતુ, ભારે પવનને કારણે સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.