રૂપાણી સરકારની ઇમેજ બચાવવા પાટીલ પુનઃ સુપર CM બન્યા : ધારાસભ્યો અને સાંસદોને આપ્યો એવો આદેશ કે સૌ દોડતા થયા !

રૂપાણી સરકારની ઇમેજ બચાવવા પાટીલ પુનઃ સુપર CM બન્યા : ધારાસભ્યો અને સાંસદોને આપ્યો એવો આદેશ કે સૌ દોડતા થયા !

' સી.આર.પાટીલ નરેન્દ્ર મોદી સ્ટાઇલથી હંમેશા કામ કરવા ટેવાયેલા છે. તેઓ ટીકાની પરવા કર્યા વિના માત્ર નક્કર કામગીરી માં જ માને છે.રેમ ડેસીવર ને લઇ પાટીલને ઘેરવાનો અનેક પ્રયાસ થયો છતાં પણ પાટીલે પોતાની કામગીરીમાં થી જરા પણ પીછેહઠ કરી નહીં. '

પાટીલે કોરોના કાળમાં મજુરા ના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ની કામગીરીની પ્રશંસા કરી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   રાજનીતિમાં સી આર પાટીલ એક વખત ફરીથી સુપર સીએમ સાબિત થયા છે. કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની એક પછી એક નિષ્ફળતાઓ સામે આવવાને કારણે પક્ષની ઇમેજને મોટો ધબ્બો લાગી શકે તેમ લાગતા તેમજ સુરતમાં આમ આદમી પાર્ટીની કામગીરીના પ્રભાવને જોતા સીઆર પાટીલે ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્યોને એક મહત્વનો આદેશ આપીને દોડતા કર્યા છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પેજ કમિટી બનાવવા માટે પાટીલે ધારાસભ્યો અને સંસદ સભ્યો સહીત હોદ્દેદારોને દોડતા કર્યા હતા.

 કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની નબળી કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટ પણ ઝાટકણી કાઢી ચૂકી છે, ત્યારે હવે સરકારની ઈજ્જત બચાવવા હવે ભાજપના પ્રદેશ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે વેબીનાર યોજીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદ્દેદારોને સરકારની મદદ માટે આગળ આવવા આદેશ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા પણ કહ્યું છે.

સીઆર પાટીલે સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપતા અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ કોવિડ સેન્ટર બનાવવા અનુરોધ કર્યો, જેથી સરકારી હોસ્પિટલો પર ભાર ઘટી શકે. તેમણે ખાનગી તબીબો અને ભાજપના ડોક્ટર સેલને સાથે રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. સાથે જ પ્રદેશ હોદેદારો અને જિલ્લા- શહેર પ્રમુખોની હોમ આઇસોલેટ દર્દીઓ માટે ટિફિન સેવા અને દવા અંગે મદદ કરવા સૂચના આપી છે.ભાજપ પ્રદેશ પ્રમુખે, પ્રદેશ સ્તરેથી કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવા અંગે પણ જણાવ્યું. આ હેલ્પ સેન્ટર સાથે જિલ્લા-શહેરના હેલ્પસેન્ટર જોડાયેલા રહેશે, જેના દ્વારા લોકોને સીધી મદદ પહોંચાડી શકાશે તેમ જણાવાયું છે. તેમજ રાજ્યમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે, કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે, તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ સંગઠનને જણાવાયું છે.