ઊંઝા : ધારાસભ્ય, ન.પા.ચીફ ઓફિસર અને પ્રમુખની હાજરીમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો ઉલાળીયો, ભાજપના નેતાઓ બિનદાસ્ત ?

ઊંઝા : ધારાસભ્ય, ન.પા.ચીફ ઓફિસર અને પ્રમુખની હાજરીમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસનો ઉલાળીયો, ભાજપના નેતાઓ બિનદાસ્ત ?

તાજેતરમાં અપક્ષના નગરસેવકને જ ચીફ ઓફિસર દ્વારા માસ્કને લઈને સુચના આપવામાં આવી હતી.

વાયરલ ફોટોમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચીફ ઓફિસર ની હાજરીમાં જ માસ્ક વિના દેખાઈ રહ્યા છે નેતાઓ.

ચીફ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવ્યો તો આ અંગે જવાબ આપવામાં અસમર્થ ચીફ ઓફિસરે ફોન કાપી નાખ્યો.

આ કાર્યક્રમમાં ઊંઝા શહેર ભાજપ કાર્યકારી પ્રમુખ ની ગેરહાજરી દેખાય આવી હતી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) :  કોરોનાની મહામારી માં માસ્ક એક માત્ર વિકલ્પ છે ત્યારે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી દ્વારા વારંવાર લોકોને જાહેર કાર્યક્રમોમાં અને તે સિવાય પણ માસ્ક પહેરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે અને એમાંય ગુજરાતમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી ૧૦૦૦ રૂપિયા જેટલો આકરો દંડ વસુલ કરવામાં આવે છે છતાં પણ ભાજપના નેતાઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની આ સલાહની અવગણના કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સમાચાર માધ્યમોમાં અવારનવાર ચમકતો રહે છે.

છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં રહેલી ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા નો તાજેતરમાં એક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ની હાજરીમાં નગરપાલિકાના શાસક પક્ષના નેતાઓએ એક ફોટો સેશન કર્યું હતું. જેમાં કેટલાક લોકોના ચહેરા પર બિલકુલ માસ્ક દેખાતા ન હતા, તો વળી કેટલાકના ચહેરા ઉપર માસ્ક હતા પણ યોગ્ય રીતે પહેરેલા ન હતા અને આ બધાથી વિશેષ સોશ્યલ ડિસ્ટનસનો સદંતર અભાવ દેખાઈ રહ્યો હોય એવો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ઊંઝા શહેર ભાજપ કાર્યકારી પ્રમુખ ની ગેરહાજરી હતી

વાયરલ ફોટો ને લઈને નગરજનોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે જો સામાન્ય વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો તેની પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવતો હોય છે પરંતુ અહીંયા તો નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય ની હાજરીમાં ફોટો સેશન દરમિયાન કેટલાક લોકોના ચહેરા ઉપર બિલકુલ માસ્ક જોવા મળી રહ્યું નથી. તેમજ સોશિયલ distance નો પણ અભાવ છે તો આ લોકો પાસેથી દંડ વસુલ કરવાની હિંમત કોણ કરશે ? કે પછી ભાજપના નેતાઓ માટે માસ્ક અને સોશિયલ distance ના નિયમો લાગુ નથી પડતા કે શું ?