સુરત : નેતાઓ સામે નતમસ્તક બનતી ખાખીની સામાન્ય જનતા સામે દાદાગીરી : બાઇક ચાલકને લાફો ઝીંકી દીધો, વિડીયો થયો વાયરલ

સુરત : નેતાઓ સામે નતમસ્તક બનતી ખાખીની સામાન્ય જનતા સામે દાદાગીરી : બાઇક ચાલકને લાફો ઝીંકી દીધો, વિડીયો થયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : તાજેતરમાં સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર લોકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ તેને બદલે લોકોને માસ્ક પહેરાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. જોકે આ જાહેરાત થયાના દિવસે જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સુરતના લિંબાયત વિસ્તારમાં એક પોલીસ જવાન દ્વારા બાઇક હંકારી રહેલા એક યુવાનને લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો ખાખી ની દાદાગીરી સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,  24 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં આવેલા સોમનગર પાસે આ ઘટના બની હતી. વાયરલ વિડીયોમાં ઈશાન ખાન નામના યુવકને લાફો માર્યા બાદ પોલીસ કર્મી તેની બાઈક પાછળ બેસી જાય છે અને પોલીસ સ્ટેશન લઈ જઈને જપ્ત કરે છે. ત્યાર બાદ યુવકને આરટીઓનો મેમો આપવામાં આવે છે. જેમાં તેની યુવક પાસે લાયસન્સ રજૂ કરેલ નથી, આરટીઓને લગતા કાગળો રજૂ કર્યા નથી, આગળની નંબર પ્લેટ નથી અને બિન અધિકૃત વ્યક્તિને આપેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ શહેરીજનોમાં પોલીસના આ વલણ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે પોલીસ સામાન્ય અને નાના માણસોને જ હેરાન કરે છે. મોટા માણસો અને નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી.