ઊંઝામાં ઓક્સિજન બેડનો અભાવ : પાલિકા પ્રમુખે કહ્યું, ખાનગી હોસ્પિટલો છે, અપક્ષ નગર સેવકે નિવેદનને વખોડયું

ઊંઝામાં ઓક્સિજન બેડનો અભાવ : પાલિકા પ્રમુખે કહ્યું, ખાનગી હોસ્પિટલો છે, અપક્ષ નગર સેવકે નિવેદનને વખોડયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  કોરોનાના આ કપરા કાળમાં મહેસાણા જિલ્લામાં પણ હવે કોરોના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે મહેસાણાના ઊંઝામાં કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર નો અભાવ છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર ઊંઝા શહેરમાં માત્રને માત્ર સરકારી હોસ્પિટલમાં 10 ઓક્સિજન બેડ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી બાજુ ઓક્સિજન ની જરૂર હોય એવા દર્દીઓએ દૂર દૂર સુધી ઓક્સિજન માટે ભટકવું પડી રહ્યું છે.

ત્યારે ઊંઝા નગરપાલિકા પ્રમુખ રીન્કુ બેન પટેલ ને જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પૂછવામાં આવ્યું કે ઉંઝામાં કોરોના ના દર્દીઓ માટે નગરપાલિકા દ્વારા કોઈ ઓક્સિજન બેડની વ્યવસ્થા છે કે નહીં ત્યારે તેમણે જણાવ્યું હતું કે સિવિલમાં 10 બેઠકની વ્યવસ્થા છે અને પથિક આશ્રમ માં લોકોને કોરેન્ટાઈન થવા માટે બેડની વ્યવસ્થા કરી છે. ત્યારે બીજો સવાલ પૂછવામાં આવ્યો કે કોરોના ના કેસો જે સામે આવી રહ્યા છે તેની સરખામણીમાં માત્ર 10 ઓક્સિજનયુક્ત બેડ ચાલી શકે ખરા ત્યારે એમણે એવો જવાબ આપ્યો કે ખાનગી હોસ્પિટલો તો છે જ ને !

એક નગરપાલિકાના પ્રમુખ થઈને જ્યારે એમ કહેતા હોય કે ખાનગી હોસ્પિટલો તો છે જ ત્યારે સમજી શકાય છે કે આ પાલિકા પ્રમુખ કેટલા સક્રિય છે. જોકે પાલિકા પ્રમુખનું આ વિધાન ક્યાંકને ક્યાંક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખિસ્સા ખાલી કરવા માટે પ્રેરી રહ્યું છે એવું જ એક અર્થઘટન થઈ શકે.બીજી બાજુ આ અંગે ઊંઝા નગરપાલિકાના અપક્ષના નગરસેવક ભાવેશ પટેલ સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક તરીકે તેમનો આ જવાબ તેમના પદ અને તેમની ગરિમા ને શોભે તેવો નથી. આજે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શહેરના લોકો માટે ઓક્સિજન બેડ, આઇસીયું તેમજ વેન્ટિલેટર ની વ્યવસ્થા હોવી જરૂરી છે. માત્ર લોકોના મત મેળવી હોદ્દો પ્રાપ્ત કરવો અને હોદ્દાને અનુરૂપ કામગીરી કરવાને બદલે ખાનગી હોસ્પિટલ છે એવો જવાબ આપી ક્યાંકને ક્યાંક લોકોને ખાનગી હોસ્પિટલ તરફ પ્રેરવામાં આવી રહ્યા છે જે ખરેખર યોગ્ય નથી. આવા કોરોના ના કપરા સમયમાં સરકારની સાથે સંપર્કમાં રહી અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવી એ જ સમયની માંગ છે. અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકાના નગર સેવક ભાવેશ પટેલે થોડાક સમય પહેલાં જ ઊંઝા સિવિલ ની મુલાકાત લીધી હતી. જોકે કોરોના ની કપરી પરિસ્થિતિમાં ક્યાંકને ક્યાંક ઊંઝાનું સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું હોય એવું લાગી રહ્યું છે.