પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિન, જાણો પોષી પૂર્ણિમાનું માહાત્મ્ય

પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિન, જાણો પોષી પૂર્ણિમાનું માહાત્મ્ય

Mnf network:  પોષ સુદ પૂર્ણિમાના દિવસે પોષી પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે. આમ તો હિન્દૂ ધર્મમાં પૂર્ણિમાનું ખુબ મહત્વ રહેલું છે, અને પોષ મહિનામાં આવતી પૂનમનું અનેરું માહત્મ્ય રહેલું છે. આ દિવસ મા અંબાનો પ્રાગટ્ય ઉત્સવ તેમજ શાકંભરી પૂનમ તથા ભાઇ બહેનનાં પ્રેમનું આગવું મહત્વ ધરાવતો દિવસ છે.

વિષ્ણુ પુરાણ અનુસાર મા શક્તિનો હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી મા અંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. મા અંબાનો પ્રાગટ્યોત્સવ હોવાથી પોષી પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે મા શક્તિના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે. ભક્તો આ દિવસે મા જગદંબાની ઉપાસના કરી માતાની વિશેષ પૂજન-અર્ચન કરે છે.

પોષી પૂનમનો દિવસે એ ભાઈ બહેનના હેતને પણ સમર્પિત છે. આ દિવસે બહેન ઉપવાસ કરે છે અને ભાઈ માટે પૂનમનું વ્રત રાખે છે અને સાંજે ચંદ્રમાની પૂજા કરી ભાઈના દીર્ઘાયુ અને સુખી જીવનની કામના કરી ભાઈનું મુખ જોઈને વ્રત સમાપ્ત કરે છે.

આ દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. શાકંભરી નવરાત્રિ પોષ મહિનાની આઠમથી શરૂ થાય છે અને પૂર્ણિમાએ નવરાત્રી પૂર્ણ થાય છે. આ પૂર્ણિમા પર શાકંભરી દેવીની આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનો વિશેષ મહત્વ છે. સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ દિવસ છે. ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે. એવું મનાય છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો ક્ષય થાય છે.