સિધ્ધપુર: વર્ષોથી અધ્ધરતાલ કાકોશી રેલ્વે ઓવરબ્રિજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહના હસ્તે ખુલ્લો મુકાયો

સિધ્ધપુર: વર્ષોથી અધ્ધરતાલ કાકોશી રેલ્વે ઓવરબ્રિજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહના હસ્તે ખુલ્લો મુકાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સિધ્ધપુર : યાત્રાધામ સિદ્ધપુરમાં શનિવારે વર્ષોની જરૂરીયાત એવો કાકોશી ફાટક પરનો રેલવે બ્રિજ ખૂલ્લો મૂકાતાં શહેરના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમના વિસ્તારો તરફ અવરજવર સાનુકૂળ બની જશે.ભારત સરકારના રેલવે વિભાગ તેમજ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગના એલ.સી. ૧૮૮ સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર મુકામે પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શનિવારે લોકાર્પણ કરાયું હતું.

શહેરના જૂના બસસ્ટેન્ડ પાછળ અને માર્કેટયાર્ડના પાછળના ભાગે કાકોશી રોડ ફાટક પર પુલ બનાવવાનો આરંભ થયો હતો અને અધૂરો પડી રહ્યા પછી છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાત સરકાર દ્વારા કામ પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરાયા હતા ત્યારે ટેકનિકલ કારણોસર વિલંબમાં પડેલ આ પુલ છેલ્લા ઘણા સમયથી અધ્ધરતાલ હતો. 

ઓવરબ્રીજના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં નગરજનો માટે એસ.ટી. બસ સ્ટેન્ડ જોડે ફાટક પાસે ટ્રાફિકના લીધે 20 મિનિટ જેટલું ઉભું રહેવું પડતું હતું. આવા સંજોગોમાં નગરપાલિકા પ્રમુખો દ્વારા ભૂતકાળમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશનમાં આશરે 1133મી લાંબો પુલ રૂ.36 કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે. આ પુલ નગરજનોની ટ્રાફિકને લગતી સમસ્યાઓ હલ કરશે ઉપરાંત આ રેલવે ઓવરબ્રિજથી નગરજનોની સુખાકારીમાં વધારો થશે.