સુરત : સંજીવની રથમાં સેવા આપનાર MBBS ના 442 વિદ્યાર્થીઓનો અનોખો સેવાયજ્ઞ, સાચા અર્થમાં બન્યા કોરોના વોરિયર્સ

સુરત : સંજીવની રથમાં સેવા આપનાર MBBS ના 442 વિદ્યાર્થીઓનો અનોખો સેવાયજ્ઞ, સાચા અર્થમાં બન્યા કોરોના વોરિયર્સ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  કોરોનાકાળમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોને કોરોનામુક્ત રાખવામાં રાતદિવસ મહેનત કરી, પરિણામે સૌના સહિયારા પ્રયાસોથી સંક્રમણનો દર એકદમ નીચે આવ્યો છે, અને રિકવરી રેટ ખુબ ઉંચો આવ્યો છે. સુરત મહાનગર પાલિકાએ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણને નાથવાના સક્રિય પ્રયાસો કર્યા, જેનું ઉત્તમ ઉદાહરણ છે સંજીવની રથ સેવા.

સંજીવની રથની સુવિધાથી દર્દીઓને નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત સારવાર ઘરબેઠાં જ મળી રહે છે, અને ગંભીર લક્ષણોને શરૂઆતમાં જ ઓળખીને જરૂર જણાય તો દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરી શકાય છે. આમ, દર્દીને પોતાના ઘરમાં જ ઉત્તમ સારવાર મળે છે, અને સાથોસાથ હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટે છે. એટલે જ સંજીવની રથ એ ખરેખર સંજીવની જડીબુટ્ટી જેવું કાર્ય કરે છે.

કોરોનાકાળમાં સુરત મહાનગરપાલિકા પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજના 442 MBBS ના વિદ્યાર્થીઓએ સંજીવની રથ સેવામાં જોડાઈને દર્દીઓને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી. જેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 57 વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. જ્યારે અઠવા ઝોનમાં 56, સેન્ટ્રલ ઝોનમાં 49, લિંબાયત ઝોનમાં 44 સહિત તમામ ઝોનમાં વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરોએ દર્દીઓના ઘરે જઈને નિદાન-તપાસ અને સારવાર કરી છે.

આ અનોખી સુવિધાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાયા છે. આનાથી દર્દીઓ તો ખુશ છે જ, પરંતુ સાથે સાથે જે સંજીવની રથમાં સવાર થઈને રોજ-રોજ દર્દીની સેવા માટે નીકળી પડે છે એવા MBBSના વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને આનંદદાયક અનુભવો થયાં, સ્વસ્થ થયેલાં દર્દીઓએ અંતરના આશિર્વાદ આપ્યાં ત્યારે આ કોરોના યોદ્ધાઓએ ખૂબ સંતોષ અનુભવ્યો અને ઈશ્વરીય કાર્યમાં સહભાગી થવાનો આનંદ અનુભવ્યો.