ઊંઝા નગર પાલિકાના તત્કાલીન પ્રમુખની રજૂઆત રંગ લાવી : ઊંઝા ન.પા સહિત 156 ને બમણો ફાયદો

ઊંઝા નગર પાલિકાના તત્કાલીન પ્રમુખની રજૂઆત રંગ લાવી : ઊંઝા ન.પા સહિત 156 ને બમણો ફાયદો
તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલ તસવીરમાં દૃશ્યમાન થાય છે

તત્કાલીન નગર પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે ગ્રાન્ટ બમણી કરવા કરી હતી રજૂઆત

ગુજરાતની 156 નગર પાલિકાઓને થશે મોટો ફાયદો.

પાલિકાઓને વર્ગ મુજબ મહત્તમ 10 કરોડ સુધીની મળશે ગ્રાન્ટ

ઊંઝા નગર પાલિકાનો બ વર્ગ માં થાય છે સમાવેશ, મળશે 4 ને બદલે 8 કરોડ ગ્રાન્ટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અ,બ,ક, ડ વર્ગ ની નગરપાલિકાઓ ને આગવી ઓળખ ધરાવતા વિશેષ કામો કરવા માટે મહત્તમ 5 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી જેને લઇ ઊંઝા નગર પાલિકા ના તત્કાલીન પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે 23 - 11 -2023 ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ને પત્ર લખી આગવી ઓળખના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ડબલ કરવા માંગણી કરી હતી.જેને સરકારે ધ્યાને લઇ આ ગ્રાન્ટ ને ડબલ એટલે કે વર્ગ મુજબ 10 કરોડ સુધીની કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સરકાર દ્વારા રાજયની નગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાના અને મહત્વના વિકાસના કામો માટે તથા આગવી ઓળખના કામો માટે રાજય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાના કામો માટે સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૧૭-૦૩-૨૦૧૫ ના ઠરાવથી રાજયની નગરપાલિકાઓને વર્ગ મુજબ અ (5 કરોડ), બ (4 કરોડ), ક (3 કરોડ), અને ડ વર્ગ ને (2 કરોડ) ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી.

ત્યારે તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલની રજૂઆત બાદ સરકારે આ ગ્રાન્ટ ડબલ કરી છે જેમાં હવે અ (10 કરોડ), બ (8 કરોડ), ક (6 કરોડ), અને ડ વર્ગ ને (4 કરોડ) ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા દર ત્રણ વર્ષે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ એક જાગૃત અને સક્રિય તેમજ આગવી સૂઝબુઝ ધરાવનાર તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલની રજૂઆતથી ગુજરાતની 156 નગર પાલિકાઓ ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ નો સીધો ફાયદો થતા વિકાસ કાર્યો બમણા વેગથી થશે.