ઊંઝા તાલુકા પંચાયત બની જનસેવાનું ઉત્તમ ઉદાહરણ! અધિકારીથી લઈને તલાટી સુધી લોકસેવાનો અભિગમ
ઊંઝા તાલુકા પંચાયતના વહીવટની પ્રશંસનીય કામગીરી : પારદર્શક વહીવટ અને લોકસેવાને અપાઈ પ્રાથમિકતા
તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટીઓની સેવાભાવી કામગીરીથી ગ્રામજનોને ઘરઆંગણે મળી રહી છે સરકારી સેવાઓનો લાભ
અરજદારોને હવે વિવિધ દાખલાઓ મેળવવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ધક્કાઓ ખાવા પડતા નથી
મોર્નિંગ ન્યુઝ ફોક્સ , ઊંઝા : ઊંઝા તાલુકા પંચાયત દ્વારા તાલુકાનાં તમામ ગામોમાં સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકા વિકાસ અધિકારીના સકારાત્મક અભિગમ, કાર્યદક્ષતા અને સુચારુ માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતનો વહીવટ વધુ પારદર્શક, લોકાભિમુખ અને સેવાલક્ષી બની રહ્યો છે.
તાલુકાનાં વિવિધ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓ પણ પોતાની જવાબદારીઓ નિષ્ઠા, પ્રમાણિકતા અને સેવાભાવથી નિભાવી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવા ન પડે અને તેમનાં કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં તલાટીઓની કામગીરી નોંધપાત્ર બની છે.
ખાસ કરીને આવકના દાખલા, જાતિના દાખલા, રહેઠાણના દાખલા, વારસાઈ નોંધ સહિતના વિવિધ સરકારી દસ્તાવેજો અને પ્રમાણપત્રો મેળવવા માટે લોકોને સરળતા રહે તે માટે તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. પરિણામે સામાન્ય નાગરિકોને જરૂરી દાખલાઓ મેળવવામાં સરળતા રહે છે અને તેમની સમય તથા નાણાંની બચત પણ થઈ રહી છે.
ઊંઝા તાલુકા પંચાયતના વહીવટની વિશેષતા એ છે કે નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, નિયમોનુસાર અને પારદર્શક રીતે કામગીરી કરવાનો અભિગમ જોવા મળી રહ્યો છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને ગ્રામ્ય કક્ષાએ વહીવટી સેવાઓ વધુ સુલભ બને તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંકલન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
આ સમગ્ર કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારીનું માર્ગદર્શન અને નેતૃત્વ પ્રશંસાને પાત્ર છે. સાથે જ તાલુકાનાં તમામ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓની મહેનત, જવાબદારી અને જનસેવાની ભાવનાને પણ બિરદાવવી જોઈએ.
લોકોની સુવિધા, સરળ સેવા અને પારદર્શક વહીવટ એ જ સારા વહીવટની સાચી ઓળખ છે. ઊંઝા તાલુકા પંચાયત દ્વારા આ દિશામાં થઈ રહેલા પ્રયાસો સરાહનીય છે અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે તેમ છે.
જનતાની સમસ્યાઓને સમજીને, સરળતાથી સરકારી સેવાઓ પૂરી પાડતા અધિકારીઓ અને કર્મચારીઓ ખરેખર લોકશાહીના પાયાને મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.