ઊંઝા તાલુકા પંચાયત ના CCTV કેમેરાનું રહસ્ય શું ? પ્રમુખ અને TDO ના વિચિત્ર જવાબો
ઊંઝા તાલુકા પંચાયતમાં એક જ ઓફિસમાં CCTV કેમેરા લગાવવાનું રહસ્ય શું?
અન્ય કચેરીઓમાં કેમેરા કેમ નહીં? પારદર્શિતા સામે ઊભા થયા સવાલો
એક જ કચેરીમાં કેમેરો અને અન્ય કચેરીઓમાં કેમ નહીં? ઊંઝા તાલુકા પંચાયતના વહીવટ સામે ઊભો થયેલો આ સવાલ હવે જવાબ માંગે છે.
મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઊંઝા તાલુકા પંચાયતમાં માત્ર એક જ કચેરીની અંદર CCTV કેમેરો લગાવવામાં આવતાં વહીવટી પારદર્શિતા અને કેમેરા સ્થાપિત કરવાના હેતુ અંગે અનેક સવાલો ઊભા થયા છે. જો કચેરીઓમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓ અટકાવવા માટે કેમેરા લગાવવામાં આવ્યા હોય, તો તાલુકા પંચાયતની અન્ય કચેરીઓમાં કેમેરા કેમ લગાવવામાં આવ્યા નથી? આ મુદ્દે જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે પણ ચર્ચા શરૂ થઈ છે.
તાલુકા પંચાયતની એક જ ઓફિસમાં કેમેરો લગાવવાની કામગીરી પાછળનો ચોક્કસ હેતુ શું છે, તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. શું આ નિર્ણય વહીવટી પારદર્શિતા જાળવવા માટે લેવામાં આવ્યો છે કે પછી કોઈ ચોક્કસ કચેરીને જ નિશાન બનાવવામાં આવી છે? જો કેમેરા લગાવવાનો હેતુ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર નિયંત્રણ રાખવાનો હોય, તો સમગ્ર તાલુકા પંચાયતની કચેરીઓમાં સમાન વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?
‘ભૂલમાં કેમેરો લગાવી દીધો હશે’ — તાલુકા પંચાયત પ્રમુખનો જવાબ
આ મુદ્દે તાલુકા પંચાયતના પ્રમુખને પૂછવામાં આવતાં તેમણે કેમેરા ભૂલમાં લગાવવામાં આવ્યો હશે તેવી વાત જણાવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રમુખના આ જવાબથી કેમેરા લગાવવાની કામગીરી અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે. જો ખરેખર ભૂલથી કેમેરો લગાવવામાં આવ્યો હોય, તો જવાબદાર કોણ અને આ કામગીરી માટે મંજૂરી કોણે આપી?
તાલુકા વિકાસ અધિકારી એ આપ્યા ઉદ્ધત જવાબો
આ અંગે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે ઉદ્ધતાઈભર્યા જવાબો આપ્યા હોવાનું જણાવાયું છે. અધિકારીએ ‘જે લખવું હોય તે લખી શકો છો’ તેવો જવાબ આપ્યો હતો.
જાહેર વહીવટમાં જવાબદારી અને પારદર્શિતા જાળવવાની ફરજ ધરાવતા અધિકારીઓ દ્વારા આવા જવાબો આપવામાં આવે તો સામાન્ય નાગરિકો અને લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા લોકોમાં અસંતોષ ઊભો થાય તે સ્વાભાવિક છે.
જાહેર હિતમાં સવાલોનો જવાબ જરૂરી
ઊંઝા તાલુકા પંચાયતના આ સમગ્ર મામલે હવે નીચેના પ્રશ્નોના જવાબ મળવા જરૂરી છે:
એક જ ઓફિસમાં કેમેરો લગાવવાનો નિર્ણય કોણે લીધો?
કેમેરા લગાવવા માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી?
અન્ય કચેરીઓમાં કેમેરા લગાવવાની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?
કેમેરા લગાવવાનો હેતુ શું છે અને તેનું નિયંત્રણ કોની પાસે છે?
જો ભૂલથી કેમેરો લગાવવામાં આવ્યો હોય તો તેને દૂર કરવા કે તપાસ કરવા શું કાર્યવાહી કરવામાં આવી?
આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. સમગ્ર તાલુકા પંચાયતની કામગીરીમાં પારદર્શિતા, સમાનતા અને જવાબદારી જળવાય તે લોકહિતની માંગ છે.