પાંપણનો ધોળો વાળ : જિંદગી તેજ બહોત તેજ ચલી હો જૈસે!

પાંપણનો ધોળો વાળ : જિંદગી તેજ બહોત તેજ ચલી હો જૈસે!

જિંદગીની ફિતરત જ માણસને અજમાવતા રહેવાની છે

જિંદગી કંઈ એટલી ખારી નથી, ટેવ બસ ફરિયાદની સારી નથી!

તેં ચહ્યું એ ના મળ્યું તો શું થયું, કોણે અહીં ઇચ્છા કદી મારી નથી!

Mnf network:  આજગતમાં સૌથી વધુ કંઈ રહસ્યમય હોય તો એ છે, જિંદગી!

જિંદગી આપણી હોય છે પણ એ આપણા હાથમાં રહેતી નથી. જિંદગી ક્યારેક આપણા હાથમાંથી છટકી જાય છે અને આપણી જ સામે આવીને ઊભી રહી જાય છે.

જિંદગી ક્યારેક અટ્ટહાસ્ય કરવાની સાથે સવાલો પૂછે છે. એવા સવાલો જેનો આપણી પાસે કોઈ જવાબ હોતો નથી. ક્યારેક વળી જિંદગી પોતે જ જવાબ આપી દે છે! જિંદગીમાં ક્યારેક એવું બને છે કે, બુદ્ધિ બહેર મારી જાય. ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવી ઘટના પણ બને છે. દરેકની જિંદગીમાં એક વખત તો એવું થયું જ હોય છે જ્યારે એને પોતાને એવો સવાલ થાય છે કે, આ બધું શું થઈ રહ્યું છે? ઘણી વખત કોઈ ઘટના ચમત્કાર જેવી હોય છે. ક્યાંય ધ્યાન પડતું ન હોય, ચારે તરફ અંધારું છવાયેલું હોય અને અચાનક જ જાણે સૂર્ય ઊગી નીકળ્યો હોય એવું અજવાળું થઈ જાય છે! જિંદગીની સૌથી મોટી કોઈ ખૂબી હોય તો એ સરપ્રાઇઝ આપવાની છે! ક્યારેક જિંદગીની સરપ્રાઇઝ રોમાંચિત કરી દે છે તો ક્યારેક ચિત કરી દે છે. બધું જ સરખું ચાલી રહ્યું હોય, જિંદગી સામે કોઇ ફરિયાદ ન હોય ત્યારે જ કોઇક ઘટના એવી બને છે કે, જિંદગીના પાયા હચમચી જાય છે. આપણને થાય કે, મારી જિંદગીમાં મારું જ કંઈ ચાલતું નથી. કંઈ પણ મારા કંટ્રોલમાં નથી.

જિંદગી બધાને સારી રીતે જ જીવવી હોય છે પણ જિંદગી જીવવા દે તોને? એ એવું એવું ઊભું કરે કે, આપણું કંઈ ચાલે જ નહીં! એક યુવાનની આ વાત છે. વૅલ એજ્યુકેટેડ. સરસ જોબ મળી. મેરેજ કર્યા. વાઇફ પણ સમજુ અને ડાહી હતી. તે પણ સારી જોબ કરતી હતી. બંનેની કમાણી જરૂરિયાત કરતાં વધારે હતી. જિંદગી વિશે જેવાં સપનાં સેવ્યાં હતાં એવી જ જિંદગી જઇ રહી હતી. અચાનક ઓફિસમાં કોસ્ટ કટિંગ આવ્યું અને તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. ઘરે પહોંચે એ પહેલાં જ ખબર મળ્યા કે, પત્નીને ગંભીર અકસ્માત થયો છે અને તેને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. સવારે બધું જ સારું હતું અને સાંજ સુધીમાં તો જાણે આખી જિંદગી જ બદલાઈ ગઈ. એ માણસ એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, આવું કેમ થતું હશે? શું ખરેખર કોઇની નજર લાગી જતી હશે? સંતે કહ્યું, ક્યારેય કોઈની નજર લાગતી નથી, દરેકની જિંદગીમાં આવું થતું જ હોય છે. ભગવાનના જ દાખલાઓ લઈ લોને! કોઈ પણ ધર્મના ભગવાનની જિંદગી જોઈ લો, એમની જિંદગીમાં પણ જબરજસ્ત ઉતારચડાવ આવ્યા છે. જો ભગવાનને પણ એમની જિંદગી છોડતી ન હોય તો આપણે તો માણસ છીએ! જિંદગીની ફિતરત જ માણસને અજમાવતા રહેવાની છે. માણસે સતત લડતાં રહેવું પડે છે. માણસ માંડ હાશ કરીને બેઠો હોય ત્યાં જિંદગી ધંધે લગાડી દે છે! 

જિંદગી અપ હોય કે ડાઉન હોય, એની એક બીજી ખાસિયત એ છે કે, એ ચાલતી રહે છે. રોજ આપણે થોડા થોડા મોટા થઈએ છીએ. દરેકને એક સમયે એવું ફીલ થયું જ હોય છે કે, સમય ક્યાં ચાલ્યો ગયો એનું કોઈ ભાન જ ન રહ્યું. વર્ષો વીતતાં જાય છે, ઉંમર વધતી જાય છે, ક્યારેક થાક વર્તાય છે તો ક્યારેક હાશ પણ થાય છે. ઓવરઓલ જિંદગી સરસ રીતે જિવાઈ પણ હોય છે. એક કપલની આ સાવ સાચી વાત છે. પતિ-પત્ની વચ્ચે ખૂબ પ્રેમ. સહિયારા જીવનના દાયકાઓ વીતી ગયા. મોટી ઉંમરે બંને સાથે બેઠાં હતાં. પત્નીએ પતિની આંખોમાં જોયું. એનું ધ્યાન પાંપણના વાળ પર ગયું. પત્નીએ કહ્યું, તારી પાંપણનો એક વાળ પણ ધોળો થઇ ગયો છે! પતિએ કહ્યું, એમ? મેં તો ધ્યાનથી જોયું જ નથી. તારી સાથે જિંદગી એટલી ફાસ્ટ જિવાઈ છે કે, વાળનો રંગ ક્યારે બદલાઈ ગયો અને હાથ પર કરચલીઓ ક્યારે પડવા લાગી એ જ ખબર ન રહી. જિંદગી બહુ જ તેજ જિવાઈ હોય એવું લાગે છે. મને યાદ છે, તું મળી એ પછી જ્યારે માથામાં પહેલો સફેદ વાળ જોયો હતો ત્યારે તેં એ વાળ ખેંચીને કાઢી નાખ્યો હતો. સફેદ વાળની સંખ્યા એ પછી વધતી ગઇ અને તારા કહેવાથી વાળને કલર કરવાનું શરૂ કર્યું. એક સમયે થયું કે, હવે કલર નથી કરવો, જેવા છે એવા જ રહેવા દઇએ. મૂછ અને નેણના સફેદ વાળને પણ ધ્યાન રાખીને હટાવ્યા છે. મેં હેર કલર કરવાનું બંધ કર્યું એ સાથે તેં પણ કહી દીધું કે, હવે હું પણ નથી કરવાની! તું પછી બોલી હતી કે, આપણે તો પહેલેથી જ જેવાં છીએ એવાં એકબીજાને ગમ્યાં છીએ. તારી સાથે જિંદગી જીવવાની મજા આવી છે અને હવે તારો હાથ હાથમાં રાખીને બુઢ્ઢા થવામાં પણ લુત્ફ આવે છે. જિંદગીએ કેટલા બધા ચડાવ-ઉતાર બતાવ્યા છે પણ જ્યારે હું મૂંઝાયો ત્યારે તેં કહ્યું હતું કે, થઈ રહેશે બધું, તું કંઈ ચિંતા ન કરે! જ્યારે તું મૂંઝાઈ ત્યારે મારા મોઢામાંથી પણ એવા જ શબ્દો નીકળ્યા હતા કે, આપણે બંને સાથે છીએ પછી શેની ચિંતા, લડી લઈશું! જિંદગી સાથે ખૂબ લડ્યાં છીએ અને સાથે મળીને ક્યારેક રડ્યાં પણ છીએ. હા, સૌથી મોટી વાત એ છે કે, ડર્યાં કે ડગ્યાં નથી! ભરપૂર જીવ્યાં છીએ! 

જિંદગી જે પડાવમાંથી પસાર થઈ રહી હોય એ પડાવમાં માણસે એ ચેક કરતાં રહેવું પડે છે કે, હું મારી જિંદગી બરાબર જીવું છુંને? એક યુવાનની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. બંને નિયમિત મળવા લાગ્યાં. એક દિવસ છોકરીએ સવાલ કર્યો, જિંદગીમાં તારો ગોલ શું છે? છોકરાએ કહ્યું, જિંદગી જીવવાનો સંતોષ એ જ મારો ગોલ છે. રોજ રાતે હું વિચારું છું કે, હું આજે સરખું જીવ્યો તો છુંને? એવું નથી કે, સંઘર્ષ વેઠ્યો નથી, અઘરા સમયમાં પણ જાતને એવો સવાલ કર્યો છે કે, હું આ સમય સામે ટટ્ટાર ઊભો છુંને? કામ કર્યા બાદ પણ વિચારું છું કે, મેં મારું કામ બરાબર તો કર્યું છેને? હું માનું છું કે, જે કરવું એમાં ઓતપ્રોત થવું. જેને ઓતપ્રોત થતાં આવડે છે એને જ જિંદગી જીવતાં આવડે છે. તારી સાથે પ્રેમમાં પણ ઓતપ્રોત જ છું. મારો નિયમ માત્ર એટલો છે કે, જાત સાથે વફાદાર રહેવું. જે માણસ પોતાને વફાદાર ન હોય એ બીજાને ક્યારેય વફાદાર રહેતો નથી. હું કોઈને છેતરતો નથી, એનું કારણ એ છે કે, હું મને ક્યારેય છેતરતો નથી. પોતાની જાત સાથેની પારદર્શકતા જ આપણને પવિત્ર રાખે છે. છોકરી પોતાના પ્રેમીની વાત ધ્યાનથી સાંભળતી હતી. તેણે છેલ્લે કહ્યું, એ જ તો મને સ્પર્શે છે. તારી સાથે જિંદગી વિતાવવાના વિચાર આવે છે ત્યારે જ એવું જ થાય છે કે, તને જિંદગીની સમજ છે, તને વ્યક્તિની સમજ છે, તને પ્રેમની સમજ છે અને તને સંવેદનાની સમજ છે. આપણને આપણી કેટલી સમજ હોય છે? માણસે પોતાની લાઇફ પર પણ ક્યારેક બિલોરી કાચ માંડીને જિંદગીને નજીકથી જોવી જોઇએ. લાઇફનું પિક્ચર એન્લાર્જ કરીને વિચારવું જોઇએ કે, મારી જિંદગી કેવી જઇ રહી છે? ન જઇ રહી હોય તો માત્ર એટલું જ વિચારવાનું કે, જે થઈ રહ્યું છે એમાં મારો ક્યાંક વાંક કે ભૂલ તો નથીને? મને જિંદગીથી સંતોષ તો છેને? સંઘર્ષનો પણ સંતોષ હોવો જોઇએ! જિંદગીનો સંતોષ હશે તો જ કોઈ અફસોસ કે ફરિયાદ નહીં રહે. જિંદગી છેલ્લા શ્વાસ સુધી ચાલતી જ રહેવાની છે, આપણે એટલી કેર કરવાની હોય છે કે, જિંદગી સાથે ચાલતાં રહીએ, ક્યાંય અટકી ન જઈએ! ક્યાંય ભટકી ન જઈએ! તો જ જિંદગી જિવાતી હોય એવું લાગશે!