વિસનગર હવે ઓક્સિજન મુદ્દે બનશે આત્મનિર્ભર : APMC ચેરમેન એવા ધારાસભ્ય ઋષિકેશ પટેલે લીધો મહત્વનો નિર્ણય, APMC એ પણ કર્યું નોંધપાત્ર કામ

વિસનગર હવે ઓક્સિજન મુદ્દે બનશે આત્મનિર્ભર : APMC ચેરમેન એવા ધારાસભ્ય ઋષિકેશ પટેલે લીધો મહત્વનો નિર્ણય, APMC એ પણ કર્યું નોંધપાત્ર કામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વિસનગર : કોરોના ની કપરી પરિસ્થિતિમાં વિસનગરના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે વિસનગરના ધારાસભ્ય અને એપીએમસી વિસનગરના ચેરમેન ઋષિકેશ ભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે વિસનગરની જનરલ હોસ્પિટલ માટે ઓક્સિજન ની સુવિધા તેમજ એમ્બ્યુલન્સ વાન ખરીદવા માટે 35 લાખ રૂપિયાની ફાળવણી કરી છે.

વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે તેમની ગ્રાન્ટ માંથી વિસનગરની‌ જનતાની સુરક્ષા માટે જી. ડી. જનરલ      (સિવિલ) હોસ્પિટલ, વિસનગર ખાતે ઓક્સિજન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ ખરીદવા માટે તથા ૧૦ લીટર કેપીસીટી વાળા ૩૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદવા માટે રૂપિયા ૩૫૦૦૦૦૦/- અંકે રૂપિયા પાંત્રીસ લાખ અને કંસારાકુઈ અને ખરાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨-૨ ( કુલ - ૪ ) ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદવા માટે રૂપિયા ૩૦૦૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ આમ તાલુકા અને શહેરમાં આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા કુલ ૩૮૦૦૦૦૦/- અડત્રીસ લાખની ફાળવણી કરી જેને મહેસાણા જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા તાત્કાલિક મંજૂરી આપી કામ શરુ કરવાના આદેશ અપાયા.

આ ઉપરાંત વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે એ.પી.એમ.સી વિસનગર દ્વારા ઓર્ડર પણ અપાઈ ગયેલ છે. વિસનગરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધુને વધુ ઊભી થાય તે માટે તે માટે એપીએમસી વિસનગરે બીડું ઝડપ્યું છે. જેમાં નગરના લોકોએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે દાનની સરવાણી વહાવી છે. જેનો ઉપયોગ આરોગ્યલક્ષી સુવિધાઓ માટે કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે એપીએમસી દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ સિવિલ હોસ્પીટલમાં ઊભી કરવાના ભગીરથ કાર્યમાં ધારાસભ્ય તેમજ તેમના સ્નેહીજનો એ પણ ઉદાર હાથે દાન આપ્યું છે.