....તો હવે ઊંઝા શહેર બનશે ગંદુ ગોબરૂ : PM મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન થશે ચકનાચૂર, જાણો કારણ

....તો હવે ઊંઝા શહેર બનશે ગંદુ ગોબરૂ : PM મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન થશે ચકનાચૂર, જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  ઊંઝા નગરપાલિકા માં ગઈકાલે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આશરે ₹ 1.80 લાખ ના સમય અગાઉ યોજાયેલા એક કાર્યક્રમ નું બિલ રજૂ કરવામાં આવતાં અપક્ષના નગરસેવક ભાવેશ પટેલ એ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ સત્તાના જોરે આ બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. જોકે આ અંગે ભાવેશ પટેલ જણાવે છે કે સત્તા પક્ષ દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યું તેનું કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા થઇ ન હતી. જેથી ક્યાંકને ક્યાંક શંકા ઉપજાવે તેવી બાબત છે.

તો બીજી બાજુ ઊંઝા નગરપાલિકામાં યોજાયેલી આ સામાન્ય સભામાં રોડ રસ્તા અને ગટરના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તો વળી શહેરમાં સિટી બસ ચાલુ કરવા અંગે પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત થોડાક સમય પહેલા 22 રોજમદારો ની ભરતી અંગેની જાહેરાત સમાચાર પત્રમાં આપવામાં આવી હતી જેને લઇને નગરપાલિકાના સફાઇ કર્મીઓ કે જેમને વર્ષોથી કાયમી ના નિમણૂક આપવામાં આવ્યા નથી તેમણે ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.

ગઈકાલે યોજાયેલી આ સામાન્ય સભા દરમિયાન આ સફાઈ કામદારો પાલિકા પ્રમુખને રજુઆત કરવા માટે ગયા હતા. પરંતુ તેમની રજૂઆત ને સાંભળવામાં આવી ન હતી. જોકે આ સફાઈ કામદારો ની રજૂઆત પ્રત્યે પાલિકા પ્રમુખે આંખ આડા કાન કરતાં સફાઈ કામદારો આજથી સામૂહિક હડતાળ પર ઉતરી ગયા છે. મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે અમારી આ હડતાલ અચોક્કસ મુદત સુધી ચાલશે. જેથી ઊંઝામાં હવે સફાઇની કામગીરી સ્થગિત થઈ જશે જેથી જો આ સફાઈ કામદારો ની હડતાલ લાંબા સમય સુધી ચાલશે તો ઊંઝા શહેર કદાચ ગંદુ ગોબરું બની જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાનનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે.