આવતીકાલે હૈદરાબાદમાં યોજાશે ખાસ કાર્યક્રમ, ફરી એકવાર વાગશે ગુજરાતનો ડંકો

આવતીકાલે હૈદરાબાદમાં યોજાશે ખાસ કાર્યક્રમ, ફરી એકવાર વાગશે ગુજરાતનો ડંકો

Mnf network: ગુજરાત સરકાર દ્વારા 22 ડિસેમ્બર 2023ના રોજ હૈદરાબાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિ પહેલા ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતા દર્શાવવા માટે એક રોડ શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી, રાજ્ય સરકારે નવી દિલ્હીમાં એક કર્ટેન રેઈઝર ઇવેન્ટ આયોજિત કરી છે, અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નઈ, લખનઉ, બેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોર જેવા 10 રાજ્યોમાં રાષ્ટ્રીય રોડ-શૉનું આયોજન કર્યુ છે.

આ રોડ-શૉ અને પ્રતિનિધિમંડળની મુલાકાતોએ IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, બાયોટેક્નોલોજી અને પ્રવાસન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોને એક્સપ્લોર કરવા માટે વ્યવસાયો અને કંપનીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ મુલાકાતોનો ઉદ્દેશ્ય ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ જેમ કે ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્કમાં રોકાણો આકર્ષિત કરવાનો છે. સાથે આ રોડ-શૉ દરમિયાન ઉદ્યોગ અને વ્યાપારી અગ્રણીઓ સાથે મુલાકાત યોજીને જાન્યુઆરી 2024માં આગામી VGGS માટે તેમને આમંત્રિત કરવામાં આવશે.

રોડ શૉની શરૂઆત FICCIના કો-ચેર અને તેલંગાણા સ્ટેટ ઑફિસ અને ગજા એન્જિનિયરિંગ પ્રા. લિ.ના એમડી વી. વી. રામા રાજુના સ્વાગત પ્રવચન સાથે થશે. ત્યાર બાદ વાઇબ્રન્ટ ગુજરાત 2024 અને ગિફ્ટ સિટી પર ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ગુજરાત સરકારના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (S.P.) IAS ડૉ. કુલદીપ આર્ય ગુજરાતમાં વ્યવસાયની તકો પર પ્રેઝન્ટેશન આપશે.