લોકસભા સત્ર બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા : મંત્રીમંડળમાં પણ નાના મોટા બદલાવનું અનુમાન

લોકસભા સત્ર બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા : મંત્રીમંડળમાં પણ નાના મોટા બદલાવનું અનુમાન

અગાઉ બે મહામંત્રીના તેમજ અન્ય મંત્રીનું રાજીનામુ લેવાયું હતું

લોકસભાના સત્ર બાદ ગુજરાત ભાજપ સંગઠનનો મામલો હાથ પર લેવાશે

આરોગ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની નબળી કામગીરી

મંત્રીમંડળમાં નાના મોટા ફેરફારની શક્યતા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : બુધવાર લોકસભાનુ ખાસ ટૂંકુ સત્ર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનો મામલો હાથ પર લેશે.જેમા ખાસ કરીને ભાજપ સંગઠનમાં જે કંઈ ફેરફારની ચર્ચા ચાલે છે તેને આખરી ઓપ અપાશે. અગાઉ પ્રદિપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રીપદેથી રાજીનામા લેવડાવી લેવાયા હતા. ત્યાર બાદ સંગઠનમંત્રી પંકજ ચૌધરીની પણ હકાલપટ્ટી કરાઈ હતી. જેથી હાલમાં સંગઠનમાં આ તમામ નવી નિમણૂકો કરવાની બાકી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓને લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રાખી શકાય છે.

મીડિયા અહેવાલ મુજબ, ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર અને સંગઠનમાં નેતાઓ વચ્ચે ડખા ચાલી રહ્યા છે.અનેક મંત્રીઓમાં પણ અસંતોષ છે તો સંગઠન મહામંત્રી રત્નાકરની નિષ્ફળતાથી હાઈકમાન્ડ નારાજ છે.છેલ્લા બે વર્ષથી સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરને જવાબદારી સોંપાઈ છે. જેનુ મુખ્ય કામ સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ-સંકલન રાખવાનુ છે. ઉપરાંત સંગઠનમાં કોઈપણ નેતા તેને ઓવરટેક કરતો હોવો જોઈએ નહી. સરકાર કે સંગઠનનો નેતા શું કરે છે તેની સાચી વિગતો તેમની પાસે હોવી જોઈએ. ઉપરાંત જરૂર પડ્યે સરકાર કે સંગઠનમાં તેમણે હસ્તક્ષેપ કરવો પડે છે તેમજ મુશ્કેલીની સ્થિતિમાં માર્ગદર્શન પણ આપવાનુ હોય છે. 

છેલ્લા બે વર્ષથી સરકાર અને સંગઠન વચ્ચે કોઈ સંકલન નથી. નેતાઓમાં અંદરોઅંદર જૂથવાદ વધી ગયો છે. બે મહામંત્રીઓના રાજીનામા લઈ લેવા પડે એ સ્થિતિ પણ આઘાતજનક છે. આ અગાઉ આ પદ પર ભીખુ દલસાણીએ જવાબદારી સંભાળી હતી. પરંતુ રત્નાકરની નિષ્ફળતાથી ભાજપ હાઈકમાન્ડ પણ નારાજ હોવાની ચર્ચા છે.

 બે વર્ષ પછી પણ નવી સરકાર નાગરીકો માટે ખાસ કંઈ કરી શકી નથી. મોટાભાગના વિભાગોમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ સ્થિતિમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવી મુશ્કેલ લાગે છે.

ભાજપ હાઈકમાન્ડને આ બધા રિપોર્ટ મળી ગયા હોવાથી કોઈ ચાન્સ લેશે નહી. ચૂંટણી આડે હવે માંડ સાત મહિના જેટલો જ સમય બાકી હોવાથી ગુજરાતમાં નબળા પડેલા સંગઠનને મજબુત કરવા માટેના પગલા લેશે. અન્ય કેટલાક મહત્વના હોદેદારોને બદલી શકાય છે. સંગઠનની સાથોસાથે સરકારમાં પણ નાના મોટા ફેરફારની શક્યાતાઓ દેખાઈ રહી છે.