સુરત : માસ્ક ન પહેરનાર પાસેથી અધિકારી ઈચ્છે તો દંડ લઈ શકે કે કેમ ? મેયરે આપ્યો ગોળગોળ જવાબ

સુરત : માસ્ક ન પહેરનાર પાસેથી અધિકારી ઈચ્છે તો દંડ લઈ શકે કે કેમ ?  મેયરે આપ્યો ગોળગોળ જવાબ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરત માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે લોકો માસ્ક પહેરે તે માટે સતત પ્રશાસન દ્વારા સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે . જોકે ગઈ કાલે સુરત ના મેયરે જાહેરાત કરી હતી કે હવે પછી માસ્ક નહિ પહેરનારને અધિકારીઓ અને પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે નહિ પરંતુ તેમને માસ્ક આપવામાં આવશે અને તેમને માસ્ક પહેરાવવામાં આવશે. જોકે મેયર દ્વારા દંડ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાતમાં કેટલું તથ્ય છે એ જાણવા માટે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મેયર નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મેયરને પૂછવામાં આવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા જ્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ ઉઘરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આપે માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે એવી જાહેરાત કરી તે કેટલી યથાર્થ છે ? શું કોઈ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો અધિકારી  ઈચ્છે તો તેની પાસેથી દંડ લઇ શકશે કે કેમ ? એ પ્રશ્નનો જવાબ મેયરે ગોળગોળ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક માનવતાના અભિગમ મુદ્દે લોકોને માસ્ક પહેરાવવા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. જો કે અધિકારી ઈચ્છે તો માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ લઈ શકે કે કેમ એનો જવાબ આપવાનો મેયરે ઇનકાર કર્યો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મેયર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટેની જ હોઈ શકે છે !

જો કે પોલીસ દ્વારા અવારનવાર લોકોમાં માસ્ક અંગેની જાગૃતિ લાવવા માટે માસ્ક ન પહેર્યા હોય એવા લોકોને માસ્ક આપવામાં આવતા હોય છે. થોડાક સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા પણ આવો જ એક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, પરંતુ એવી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી ન હતી કે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ ઉઘરાવવામાં નહિ આવે. જો કે માસ્ક ન પહેરનારને માસ્ક આપવું અને તેને પહેરવા માટે જાગૃત કરવા એ એક અભિગમ છે.પણ આ અભિગમને પ્રસિદ્ધિમાં રૂપાંતરિત કરવા જાહેરાત કરવી એ કેટલે અંશે યોગ્ય ગણી શકાય ? જોકે કોરોના સંક્રમણ માં લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવે એવી મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે. ' દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી ' સૂત્રને સાચા અર્થમાં આત્મસાત કરવામાં આવે તે જરૂરી છે. કોરોના સામેની લડાઇ માત્ર સરકારે જ નહિ પરંતુ સૌ સાથે મળીને લડીશું તો અને તો જ કોરોના ને ઝડપથી મ્હાત આપી શકાશે.