પર્યાવરણ : ઓક્સિજનનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે ? આ લેખ વાંચ્યા પછી તમને આ વાયરલ ફોટોનું સત્ય સમજાશે અને પસ્તાવો પણ થશે

પર્યાવરણ :  ઓક્સિજનનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે ? આ લેખ વાંચ્યા પછી તમને આ વાયરલ ફોટોનું સત્ય સમજાશે અને પસ્તાવો પણ થશે

જો આમ ને આમ પ્રદૂષણ ની વધતી જતી માત્રને રોકવામાં નહી આવેતો કોફી શોપ ની જેમ ઓક્સિજન શોપ પણ શરૂ કરવાનો વારો આવશે.

પૃથ્વી પર લોકોએ કદાચ ઓક્સિજનના બાટલા લટકાવી ફરવું પડશે.

પૃથ્વીનું વધતું જતું તાપમાન અને પ્રદૂષણ આગામી સમયમાં શ્વસન ને લગતી બીજી ઘણી બીમારીઓને નોતરી શકે છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( ભરત પરમાર ) :  ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. દરેક પૃથ્વી પરના સજીવની ઓક્સિજનએ પ્રાથમિક જરૂરિયાત છે. જોકે પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યાં સુધી પ્રકૃતિ સંતુલિત છે ત્યાં સુધી કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. પરંતુ જ્યારે પ્રકૃતિના સંતુલનને વિખેરવા નો પ્રયત્ન થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સજીવો માટે સમસ્યા સર્જાય છે. હાલની આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યાં જુઓ ત્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યા છે જેના પાછળનું એક કારણ એ છે કે હવામાંથી આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું લાગે છે તેના પાછળનું મજબૂત કારણ છે વાયુ પ્રદૂષણ.

હવા માં સામાન્ય રીતે 23 ટકા ઓક્સિજન હોય છે. આપણે દર મિનિટે શ્વાસમાં 8 લીટર જેટલી હવા ફેફસામાં ભરીએ છીએ.એટલે કે રોજની 11,000 લિટર હવા શ્વાસમાં ભરાવી જોઈએ અને એ હવામાં 19.5 ટકા ઓક્સિજન હોવો જોઈએ. જો આટલો ઓક્સિજન આપણને મળે તો આપણે સ્ફૂર્તિ અને તાજગીનો અહેસાસ કરી શકીએ છીએ. આપણા શ્વાસમાં 19.5 ટકા ઓક્સિજન ફેફસામાં આવે છે પરંતુ આપણે એમાંથી માત્ર પાંચ ટકા જ ઓક્સિજન વાપરી શકીએ છીએ બાકીનો 14.5 ટકા ઓક્સિજન ઉશ્વાસમાં બહાર ફેંકાઈ જાય છે. આ હિસાબ પ્રમાણે તાજગીથી જીવવા માટે રોજ 550 લીટર ઓક્સિજન મળી રહેવો જોઈએ.

આટલો ઓક્સિજન મેળવવા માટે આપણી આસપાસ ઓક્સિજન આપનાર ઓછામાં ઓછા 7 વૃક્ષો હોવા જોઈએ. પરંતુ આજે જ્યાં જોઈએ ત્યાં વૃક્ષો કાપીને માત્રને માત્ર ક્રોનકીટના ના જંગલો ખડકવામાં આવી રહ્યા છે.એક સર્વે મુજબ, ગુજરાતમાં આશરે 35 કરોડ વૃક્ષો છે.ગામડામાં સરેરાશ વ્યક્તિ દીઠ 5.5 વૃક્ષ હોય છે જ્યારે શહેરોમાં 100 નાગરિક વચ્ચે 11 વૃક્ષો છે. એટલે કે દર 10 નાગરિકો વચ્ચે એક વૃક્ષ. શહેરના લોકોને તાજગીભર્યા રાખવા માટે 10 નાગરિક વચ્ચે ઓછામાં ઓછાં 70 વૃક્ષ હોવા જોઇએ. આમ શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાને કારણે હવામાં પ્રાણવાયુની ઘટ પડે એ સ્વાભાવિક છે.

સામાન્ય રીતે વ્યક્તિને તાજગીથી જીવવા માટે હવામાં 19.5 ટકા ઓક્સિજન હોવો જોઈએ. જો હવામાં ઓક્સિજનનું પ્રમાણ 10 ટકા થઈ જાય તો મગજ કામ કરવાનું બંધ કરી દે છે. પછી આપણે વિવેક અને બુદ્ધિ વગર હિલચાલ કરતા રહીએ છીએ અથવા સ્થિર થઈ જઈએ છીએ. જો ઓક્સિજનનું પ્રમાણ માત્ર 6 ટકા થઈ જાય તો આપણે જ નહીં બધા સજીવો મૃત્યુ પામે છે.

તો બીજી બાજુ એક અહેવાલ મુજબ છોડનું દરેક પાંદડું દર એક કલાકે 5ml ઓક્સિજન હવામાં આપતું રહે છે. એક વ્યક્તિ માટે ઓછામાં ઓછા પાંચ હજાર પાંદડા માંથી મળતો ઓક્સિજન જોઈએ એટલે કે તમારી આસપાસ જો નાના ૩૦૦ જેટલા કુંડામાં છોડ ઉછેરવામાં આવે તો આ છોડના પાંદડા માંથી મળતો ઓક્સિજન એક વ્યક્તિ માટે જેટલો જરૂરી છે તેટલો પ્રાપ્ત થઇ શકે છે. જો છોડ ને બદલે વૃક્ષ ઉછેરવામાં આવે તો અનેક લોકોને તેનો લાભ મળી શકે છે.

મહાનગરોની ગીત વસ્તીમાં સામાન્ય રીતે હવામાં ઓક્સિજનનું 19.5 ટકાને બદલે 16 થી 18 ટકા જેટલું જ હોય છે. આથી સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા મહાનગરમાં રહેતા લોકોમાં હતાશા, થકાવટ વધારે જોવા મળે છે. એટલે કે જો આપણે પૃથ્વીના સંતુલિત ચક્રમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એક વ્યક્તિએ ઓછામાં ઓછા 8 થી 10 વૃક્ષો ઉછેરવા જરૂરી છે. નહીતો એક સમય એવો આવશે કે શાળાએ જતાં નાના બાળકોને સ્કૂલ બેગની એક બાજુ પાણીની બોટલ અને બીજી બાજુ ઓક્સિજન ની બોટલ લગાવીને શાળાએ જવાનો વારો આવી શકે છે. માટે પ્રકૃતિના આ સંતુલન ચક્રને અસ્થિર થતું અટકાવવા માટે હવે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને સાચા અર્થમાં પર્યાવરણને બચાવવાના પ્રયાસો થાય એ જ હાલના સમયની માંગ છે.

( આ લેખ તૈયાર કરનાર ભરતભાઈ પરમાર હાલમાં સુરતના કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવન માં ભાષા શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેઓ દ્વારા અનેક આવા રચનાત્મક તેમજ લોકજાગૃતિના લેખ અને નાટકો તૈયાર કરાયેલા છે. અહીં પ્રસ્તુત માહિતી જુદાજુદા સ્ત્રોત નો ઉપયોગ કરીને તેમણે એકત્ર કરેલી છે. આ માહિતી વર્તમાન સ્થિતિને જોતાં સમાજમાં પર્યાવરણ પ્રત્યેની લોકજાગૃતિ માટે પ્રસિદ્ધ કરાઈ છે)