Exclusive : ધો.10 માં માસ પ્રમોશનનો મામલો : 8.60 લાખ વિદ્યાર્થીનો 14 કરોડ બોર્ડ પરીક્ષા ફી પરત મળશે ખરી ?

Exclusive :  ધો.10 માં માસ પ્રમોશનનો મામલો : 8.60 લાખ વિદ્યાર્થીનો 14 કરોડ બોર્ડ પરીક્ષા ફી પરત મળશે ખરી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : રૂપાણી સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણવિદો અને વાલીઓને અંધારામાં રાખીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરાયો છે જેને લઇને સરકારના આ નિર્ણયની સામે વિરોધનો સૂર ઉઠયો છે. તો બીજી બાજુ સરકારના નિર્ણયથી શાળા સંચાલકો પણ ક્યાંકને ક્યાંક દ્વિધા અનુભવી રહ્યા છે.

ધોરણ10ના સાડા આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ફી પેટે કુલ ૧૪ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા યોજાવાની નથી તો પછી સરકાર સાડા આઠ લાખ વિદ્યાર્થીઓને આ ૧૪ કરોડ ફી કેવી રીતે પરત કરશે ? ક્યારે કરશે ? અને કેવી રીતે કરશે તેને લઈને પણ અનેક સવાલો પેદા થયા છે.

અત્રે નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં1276 સરકારી શાળાઓ, 5325 ગ્રાન્ટેડ શાળાઓ, 4331 પ્રાઇવેટ શાળાઓ તેમજ અન્ય 45 મળીને કુલ 10,997 જેટલી શાળાઓ છે.જેમાં ધો.11 ના મંજૂર વર્ગખંડોની સંખ્યા 5.50 તેમજ ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.ની કુલ બેઠકો ની સંખ્યા 1.50 લાખ મળી કુલ 7 લાખ બેઠકો છે. જેની સામે રાજ્યના ધો.10 ના 8.60 લાખ વિદ્યાર્થીઓને જ્યારે પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે કુલ બેઠકોની સરખામણીએ 1.60 લાખ વિદ્યાર્થીઓને કેવી રીતે અને ક્યાં પ્રવેશ મળશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠયા છે. જોકે સરકાર વર્ગ વધારાની મંજૂરી આપે તો પણ સામે એટલી જ શિક્ષકો ની માંગ ઊભી થઈ શકે છે. ત્યારે આ પરિસ્થિતિને સરકાર પહોંચી વળવા માટે શું કરશે એ પણ એક મોટો સવાલ છે