તામિલનાડુનાં પૂરમાં ફસાયા છે રેલવેના ૧૦૦૦થી વધુ પ્રવાસીઓ

તામિલનાડુનાં પૂરમાં ફસાયા છે રેલવેના ૧૦૦૦થી વધુ પ્રવાસીઓ

Mnf network : દિક્ષણ તામિલનાડુમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિના પગલે ૧૭ ડિસેમ્બરે રેલવે-ટ્રૅક પર ક્રૅક પડતાં થુથુકુડી જિલ્લામાં રેલવે-સ્ટેશન પર ટિરુચેન્ડુર-ચેન્નઈ એક્સપ્રેસના અંદાજે ૧૦૦૦ મુસાફરો હજી પણ ફસાયેલા છે. શ્રીવૈકુન્દમ રેલવે સ્ટેશન પર ૧૭ ડિસેમ્બરે રાતે ૯ વાગ્યા આસપાસ ટ્રેનનાં પૈડાં થંભી ગયાં હતાં. મુસાફરોનો આરોપ છે કે અધિકારીઓ તેમના સુધી ખોરાક પહોંચાડવા કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ટ્રેનમાં ૧૦૦૦થી વધુ મુસાફરો છે અને તેઓ ચેન્નઈ સહિત તામિલનાડુના જુદા-જુદા વિસ્તારમાંથી મુસાફરી કરી રહ્યા છે. ટિરુચેન્ડુર-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન એ એકમાત્ર ડાયરેક્ટ ટ્રેન છે જે રાજધાની સાથે રાજ્યને જાડે છે. ટ્રૅક પર પૂરનાં પાણી ભરાવા અને ટ્રૅક પર ક્રૅક પડતાં ટ્રેનનાં પૈડાં થંભી ગયાં હતાં. 

મુસાફરોનો મદદની માગણી કરતો વિડિયો વાઇરલ થયા બાદ તામિલનાડુ સરકારે તેમની તરફ મદદનો હાથ લંબાવ્યો હતો. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી કે ફનિન્દ્ર રેડ્ડીએ કહ્યું કે શ્રીવૈકુન્દમ સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને ઍરડ્રૉપથી ખોરાક અપાઈ રહ્યો છે. પૂરના પાણીને કારણે રેસ્ક્યુમાં અડચણ આવી રહી છે. અમે રેસ્ક્યુ ટીમને મોકલી દીધી છે.