ઊંઝા તાલુકાના ઉપેરા ગામના મોટા બાવન બાવીસ પાટીદાર સમાજના બ્રેઇન ડેડ આધેડનું સુરતમાં અંગદાન કરાયું

ઊંઝા તાલુકાના ઉપેરા ગામના મોટા બાવન બાવીસ પાટીદાર સમાજના બ્રેઇન ડેડ આધેડનું સુરતમાં અંગદાન કરાયું
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  દેશમાં વર્ષ 2021ના પ્રારંભમાં પ્રથમ અંગદાન સુરત માંથી થયું હતું. ત્યારે તાજેતરમાં ડિંડોલીના કડવા પટેલ મોટા બાવન બાવીસ સમાજના બ્રેઈનડેડ આધેડનું અંગદાન કરાયુ છે. ડિંડોલીના કડવા પટેલ મોટા બાવન બાવીસ સમાજના બ્રેઈનડેડ લુમ્સ કારખાનેદારના અંગોનું દાન કરી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું હતું. આધેડ લુમ્સ કારખાનેદારના ફેફ્સા, હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પરિવારે સમાજમાં એક દાખલો બેસાડયો છે.
મુળ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરાગામના વતની વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ (ઉં.વ.57) પરિવાર સાથે ડિંડોલી-ખરવાસા રોડ પર આવેલી અંબિકા સોસાયટીમાં રહેતા હતા. પાંડેસરા પ્રમુખ પાર્ક ખાતે ક્રિષ્ણા ટેક્સટાઈલ નામથી લુમ્સ કારખાનું ચલાવતા વિષ્ણુભાઈ ગત તા. 30 ડિસેમ્બરના રાત્રે કારખાનેથી બાઈક પર ઘરે આવી રહ્યાં હતા, ત્યારે પ્રમુખ પાર્ક બ્રિજ પરથી ડિંડોલી તરફ જતી વખતે બ્રિજ ઉતરતા તેમની બાઈક આગળ ગાય આવી ગઈ હતી. જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં વિષ્ણુભાઈને માથામાં તથા શરીરે ઇજા થવા પામી હતી.
તેમને પ્રથમ સારવાર અર્થે સિવિલ બાદ મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન તેમને બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીના ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન ગત તા. 1લી જાન્યુઆરીએ તેમને બ્રેઈન ડેડ ઘોષિત કરાયા હતા. જેની જાણ થતાં ડોનેટ લાઈફ દ્વારા વિષ્ણુભાઈના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાયું હતું.
ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, વિષ્ણુભાઈના પરિવારે તેમના હૃદય, ફેંફ્સા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી સમાજને નવી દિશા બતાવી છે. તેમના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં અને ફેંફ્સાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરાયું હતું.જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અને બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી. આમ, દેશમાં વર્ષ 2021ના પ્રારંભમાં પ્રથમ અંગદાન સુરતમાંથી કરાયું હતું.