સી.આર.પાટીલના આ નિર્ણયથી ભાજપના અનેક નેતાઓના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સપનાઓ ચકનાચૂર થઈ ગયા !

સી.આર.પાટીલના આ નિર્ણયથી ભાજપના અનેક નેતાઓના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સપનાઓ ચકનાચૂર થઈ ગયા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ટિકિટ મળશે કે નહીં ? ટીકીટ કોને મળશે ? તેને લઈને કાર્યકરોમાં ભારે મૂંઝવણ છે. ત્યારે સીઆર પાટીલે ટીકીટ કોને આપવી તેના માટે અગાઉથી જ સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.  સી.આર.પાટીલે આપેલા સંકેતો પ્રમાણે વય મર્યાદા અને સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિને ટિકિટ નહીં આપવાનો નિયમ અમલી બનાવવામાં આવે તો ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના ચૂંટણી લડવાના સપનાંઓ ચકનાચૂર થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  ઊંઝામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 51 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 15 જેટલા ઉમેદવારોએ દાવેદવારી નોંધાવી છે. તો વળી નગરપાલિકાની 36 બેઠકો માટે 140 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

 ચર્ચાતી વિગતો મુજબ ઊંઝા તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનના પણ કેટલાક નેતાઓ છેલ્લા ઘણા સમયથી હરખપદુડા બન્યા હતા પરંતુ 55 વર્ષથી મોટી ઉંમરના તેમજ સંગઠનમાં હોદ્દો ધરાવતા કાર્યકરને ટિકિટ મળશે નહીં એવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિર્ણયથી ઊંઝા તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારોના સપનાઓ ચકનાચૂર બની ગયા છે.

જોકે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઊંઝા તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ પોતાને ટિકિટ ન મળે તો તેમના નજીકના ને ટીકીટ અપાવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. પરંતુ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ કે જેઓ કોઈપણ પ્રકારના લાગવગશાહી ના દબાણને વશ થયા વિના નિષ્પક્ષ પણે યોગ્ય ઉમેદવારને જ ટિકિટ મળે તે માટે મક્કમ થયા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે કોને ટિકિટ મળશે અને કોની બાદબાકી થશે ?