ઇન્જેક્શનનું પોલિટિક્સ / ગુજરાતના CM રૂપાણી સામે વધુ એક વાર સી.આર.પાટીલનો સુપર સી.એમ.બનવાનો પ્રયાસ ? જાણો શુ છે વિવાદ ?

ઇન્જેક્શનનું પોલિટિક્સ  / ગુજરાતના CM રૂપાણી સામે વધુ એક વાર સી.આર.પાટીલનો સુપર સી.એમ.બનવાનો પ્રયાસ ? જાણો શુ છે વિવાદ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકરમાયકોસિસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાયકોસિસથી 70 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીમાં હવે વ્હાઈટ ફંગસનું જોખમ વધ્યું છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ આ રોગ માટે વપરાતા ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. ઈન્જેક્શન મેળવવા દર્દીના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે.

રાજ્યમાં વધતા મ્યુકોરમાઈકોસિસના વધતા કેસ વચ્ચે ઈન્જેકશનની અછત છે. જોકે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે એમ્ફોટેરિસીન ઈન્જેકશનના સ્ટોક પર મોટો દાવો કર્યો છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને એમ્ફોટેરિસીન ઇન્જેક્શનના જથ્થા અંગે પણ તેમણે વડાપ્રધાનને રજુઆત કરી હતી. જે મુદ્દે કેન્દ્ર તરફથી ઇન્જેક્શનનો બફર સ્ટોક સરકારને ફાળવી દેવામાં આવ્યો હોવાનો દાવો સી.આર. પાટીલે લગાવ્યો છે.

ત્યાં બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં ઈન્જેક્શન નથી તેવા બોર્ડ લટકી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પણ સાવ ધીમુ થઈ ગયું છે. સરકાર પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. અને ટેસ્ટિંગ ડોમ પણ બંધ હાલતમાં છે. તેથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકો પણ હાલાકીમાં મુકાયા છે. ગુજરાતમાં લોકોને મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને એમ્ફોટેરિસીન ઇન્જેક્શન નથી મળી રહ્યા. નીતિન પટેલે ખુદ કહ્યું છે કે જથ્થા માટે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરાઈ છે. ગુજરાતમાં દરદીના પરિવારજનો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને ઇન્જેક્શન ન મળતાં સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે ત્યારે પાટીલે દાવો કર્યો છે કે તેમણે કેન્દ્રમાં રજૂઆત કરતાં મોટો સ્ટોફ ફાળવાયો છે તો આ સ્ટોક ગયો ક્યાં એ સવાલો ઉભા થયા છે.