ઊંઝા : આ સીટ પર ભાજપ સભા કરવાની સ્થિતિમાં નહિ ! તો કોંગ્રેસના ઉમેદવારનો અપક્ષને છૂપો ટેકો ?

ઊંઝા : આ સીટ પર ભાજપ સભા કરવાની સ્થિતિમાં નહિ ! તો કોંગ્રેસના ઉમેદવારનો અપક્ષને છૂપો ટેકો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : છ મહાનગરપાલિકાઓમાં થયેલ 41.75 ટકા જેટલા નિરસ મતદાને સ્પષ્ટ કરી દીધું છે કે મતદાતાઓ ભાજપ અને કોંગ્રેસ થી ક્યાંકને ક્યાંક નારાજ છે. નારાજ મતદાતાઓ હવે ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણો ફાયદો થવાની શક્યતાઓ રહેલી હોવાનું રાજનીતિના જાણકારો માની રહ્યા છે. તો વળી આ નિરસ મતદાન ની અસર હવે આગામી નગરપાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતો ઉપર પણ પડી શકે છે. જેમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ભાજપ કોંગ્રેસને ભારે નુકશાન થઇ શકે છે, તો વળી અપક્ષો મેદાન મારી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારે જંગ જામ્યો છે જેમાં ભાજપને સીધું નુકસાન થવાની શક્યતાઓ છે. એમાંય ખાસ કરીને ઊંઝા તાલુકા પંચાયતની કામલી,  કહોડા અને કરલી સીટ પર ભાજપે હાથમાંથી સીટ ગુમાવવાનો વારો આવી શકે છે. કામલી તાલુકા પંચાયતની સીટ પર ભાજપ માટે કપરા ચઢાણ છે. કારણ કે ભાજપે પસંદ કરેલ ઉમેદવાર સામે મતદાતાઓ માં રોષ દેખાઈ આવે છે. જેમાં ગામમાં ભાજપ સભા પણ ન કરી શકે એવો મતદાતાઓ માં છૂપો રોષ છે.તો વળી કોંગ્રેસના કાર્યાલય પર પાંખી હાજરી હોવાનું ચર્ચાય છે. એટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવાર નો પણ અપક્ષ ને છૂપો ટેકો હોવાનું ચર્ચાય છે.ભાજપને હરાવવા કોંગ્રેસ અપક્ષ જીતે તો પણ રાજી હોય એમ લાગે છે !

ભાજપના ઉમેદવાર ની ભૂતકાળની છબી ખૂબ જ ખરાબ છે તો કોંગ્રેસની છબી પણ ખરડાયેલી રહી છે. એટલું જ નહીં પરંતુ કામલી સીટ પર મતદાતાઓને શરૂઆતથી જ કોંગ્રેસ પ્રત્યે નારાજગી છે ત્યારે હવે અહીં ત્રિપાંખિયા જંગ માં અપક્ષ મેદાન મારી જશે. કારણ કે અપક્ષ ના ઉમેદવાર એકદમ સ્વચ્છ ચહેરો અને સૌથી સક્રિય યુવા ઉમેદવાર છે એટલું જ નહીં પરંતુ કામલી ગામના ભાણેજ હોઇ તેમને જગન્નાથપુરા અને કામલી બંને ગામના મતદાતાઓનો સીધો લાભ મળી શકે છે.

ગ્રાઉન્ડ ઝીરો પર થી મળેલી માહિતી મુજબ અપક્ષના ઉમેદવાર મૌલિક પટેલ જગન્નાથપુરા ગામના વતની છે. જગન્નાથપુરા ગામના મૌલિક પટેલે પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોઇ ગામ લોકોનો તેમને સંપૂર્ણ ટેકો છે. તો બીજી બાજુ કામલી તેમના મામાનું ગામ છે. સાથે સાથે કામલી ના મતદારોમાં ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો પ્રત્યે ભારે રોષ જણાઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પ્રત્યેનો રોષ મતદાતાઓ હવે અપક્ષને મત આપી વ્યક્ત કરે તો નવાઈ નહીં !