ઊંઝા : ભાજપ શાસિત પાલિકાના નગર સેવકોમાં નારાજગી ? નવા જૂની ના એંધાણ ?

ઊંઝા : ભાજપ શાસિત પાલિકાના નગર સેવકોમાં નારાજગી ? નવા જૂની ના એંધાણ ?

નગરસેવકો માં નારાજગી ?

મહેસાણા લોકસભા કાર્યાલય શુભારંભ કાર્યક્રમમાં હાજર રહેવાની સૂચના છતાં મોટા ભાગના નગર સેવકો ગેરહાજર !

ભાજપના મેન્ડેડ પર જીતેલા મોટા ભાગના નગર સેવકો ગેરહાજર

નગર પાલિકામાં કામ ન થતાં હોવાની રાવ

કાર્યક્રમમાં પાલિકાનાં કાર્યકારી પ્રમુખ પણ ગેર હાજર ?

નગર સેવકોની નારાજગી ધારાસભ્ય સામે કે સંગઠન સામે ?

પક્ષ માટે વર્ષોથી કામ કરતા કાર્યકરોની ઉપેક્ષા થતી હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગઇ કાલે ગુજરાત ભાજપ દ્વારા એક સાથે 26 લોકસભા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહેસાણા ખાતે પણ લોકસભા કાર્યાલયનો શુભારંભ થયો હતો. જેમાં કાર્યકરોને તેમજ મહત્વના હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

જે અંતર્ગત ઊંઝા ભાજપ શહેર સંગઠન દ્વારા પણ ઊંઝા નગરપાલિકાના ભાજપના નગર સેવકોને કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી છતાં પણ મહેસાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટાભાગના ભાજપના મેન્ડેડ પર ચૂંટણી જીતેલા નગર સેવકો ગેરહાજર રહ્યા હતા.જેને લઈને ક્યાંક ને ક્યાંક નગરસેવકોમાં નારાજગી હોવાની ચર્ચાઓ ઉઠી છે.

મહત્વની વાત તો એ છે કે હાલમાં જેમને નગરપાલિકામાં કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે તે કાર્યકારી પ્રમુખ પણ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી છે કે નગરપાલિકામાં કામ નહીં થતા હોવાની હૈયા વરાળ પણ ધારાસભ્ય સમક્ષ ઠાલવવામાં આવી હતી. વાત રાજીનામાં સુધી ન પહોંચે તો નવાઈ નહીં !

અત્રે નોધનીય છે કે તાજેતરમાં નગરપાલિકામાં પ્રમુખ પદેથી દીક્ષિતભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું. જેથી નગરપાલિકાના ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઊંઝા ના નિષ્ક્રિય ધારાસભ્ય સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરોની લાગણીને  સમજવામાં નિષ્ફળ રહ્યા હોવાના કારણે ઊંઝા ભાજપ સંગઠનમાં આવનાર સમયમાં છુપી નારાજગી સપાટી પર આવે તો નવાઈ નહીં !