વડનગરને સ્પોર્ટ્સ હોસ્ટેલ કરતાં APMC ની વધારે જરૂર છે : APMC ના નવીનીકરણનું કામ ખોરંભે : ગીરીશભાઈ પટેલ, નગર સેવક

વડનગરને સ્પોર્ટ્સ હોસ્ટેલ કરતાં APMC ની વધારે જરૂર છે : APMC ના નવીનીકરણનું કામ ખોરંભે : ગીરીશભાઈ પટેલ, નગર સેવક

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર :  સમય અગાઉ વડનગરમાં એપીએમસી ના નવીનીકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડનગરમાં એપીએમસી બનવાની જાહેરાતનો ને સરકારે પણ સમર્થન આપ્યું હતું. પરંતુ હજુ સુધી એપીએમસીના નવીનીકરણ નો કોઈ પણ અણસાર દેખાતો નથી. માત્રને માત્ર હાલમાં એપીએમસીના નવીનીકરણ ની વાત એક દિવસ સ્વપ્નથી વિશેષ બીજું કાંઈ જ ન હોવાનું વડનગરવાસીઓ માની રહ્યા છે.

ત્યારે તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વડનગરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનવા માટેની જાહેરાત કરી હતી. આશરે ૧૩ કરોડના ખર્ચે વડનગરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારે જાણે અંધારામાં તીર માર્યું હોય તેમ આ જાહેરાત પણ માત્ર કાગળ પર જ શોભાના ગાઠીયા સમાન બની રહેશે તેવું લાગી રહ્યું છે એમ વડનગર ના નગરસેવક ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું.

વડનગરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ સંકુલ બનાવવાની જાહેરાતને લઈને નગરસેવક ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડનગરમાં રમવા માટે કોઈ મેદાન નથી તો પછી સ્પોર્ટ્સ હોસ્ટેલ નો શો અર્થ ?સરકારની આ જાહેરાત માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે હોય એમ લાગી રહ્યું છે. વડનગર વિસ્તારમાં ધંધા-ઉદ્યોગ ન હોઇ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે વડનગરને સ્પોર્ટ હોસ્ટેલ ની નહિ પરંતુ એપીએમસી અને મોટી ઇન્ડસ્ટ્રીની  જરૂર છે કે જેથી લોકો સ્થાનિક લેવલે પોતાનો વ્યવસાય વિકસાવી શકે અને ધંધો રોજગાર મેળવી શકે. ઇતિહાસમાં ઐતિહાસિક નગરી નું બિરુદ મેળવનાર વડનગર પ્રધાનમંત્રી નું વતન હોવા છતાં ક્યાં સુધી એપીએમસી અને જીઆઇડીસી થી વંચિત રહેશે?