ખાતરના ભાવવધારા મુદ્દે AAP હવે ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે બાંયો ચઢાવશે, 19 મી એ રૂપાણી સરકારનું ટેંશન વધશે

ખાતરના ભાવવધારા મુદ્દે AAP હવે ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે બાંયો ચઢાવશે, 19 મી એ રૂપાણી સરકારનું ટેંશન વધશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : સરકાર દ્વારા ખાતરમાં ભાવમાં વધારો કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે આક્રોશની લાગણી જન્મી છે જેને લઇને ખેડૂતો હવે મંત્રીઓને ફોન કરીને ચૂંટણીટાણે તેમને આપેલા વચનો યાદ કરાવી રહ્યા છે તાજેતરમાં જ એક ખેડૂત દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ ને ફોન કરી ને તતડાવી નાખ્યા હતા અને તેમની બોલતી બંધ કરી દીધી હતી.

ત્યારે હવે આ ખાતર ના ભાવ વધારા મુદ્દે આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં આવી છે અને આગામી ૧૯મી મેના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને ભાવ વધારા મુદ્દે એક દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવતાં રૂપાણી સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એટલું જ નહિ આમ આદમી પાર્ટી દ્વારા તેના ઓફીસીઅલ પેજ ઉપર ઉપવાસ આંદોલનમાં જોડાવા ઇચ્છતા ખેડૂતો માટે એક લિંક ફોર્મ અપલોડ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત ઉપવાસ આંદોલનમાં જોડાવા ઈચ્છતા હોય તે ખેડૂત પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જોકે આ રજિસ્ટ્રેશન માત્ર ખેડૂતો કેટલી માત્રામાં ઉપવાસ આંદોલનમાં જોડાશે તે જાણવા હેતુ જ છે.

જોકે ખાતરમાં થયેલા ભાવ વધારાને લઇને ખેડૂતો ની હાલત પણ ખરેખર કફોડી બની ગઈ છે. ચૂંટણી ટાણે નેતાઓ અને મંત્રીઓ એવા આશ્વાસન આપતા હતા કે ખાતર માં કોઈ જ પ્રકારનો ભાવ વધારો થવાનો નથી. સાથે સાથે તેઓ વિરોધ પક્ષો પર રાજનીતિ કરવાનો આક્ષેપ મૂકતા હતા. પરંતુ જેવી ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ કે તરત જ ભાવ વધારાને અમલી બનાવી દેવામાં આવ્યો હતો.જેને લઇ ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઇ છે. હાલમાં ખેડ, ખાતર અને પાણી મોંઘા બની જતા તેમજ કુદરતી આપત્તિઓને કારણે અવારનવાર ખેતીના પાકોમાં થતા નુકસાનને લઇને ખેડૂતો માટે હવે જીવવું પણ અસહ્ય બની રહ્યું હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.