ઊંઝા નગર પાલિકાનો CCTV કેમેરાને લઈ વધુ એક વિવાદ : અપક્ષ નગર સેવકનો સત્તાધીશો સામે જાસૂસીનો આક્ષેપ

ઊંઝા નગર પાલિકાનો CCTV કેમેરાને લઈ વધુ એક વિવાદ : અપક્ષ નગર સેવકનો સત્તાધીશો સામે જાસૂસીનો આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા નગરપાલિકા માં થોડા સમય પહેલા જ ધ્વજારોહણ ને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો. જોકે ઊંઝા નગર પાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી સતત ઊંઝા નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી રહી છે. જેમાં હોર્ડિંગ્સ કૌભાંડ સહિતના અનેક કૌભાંડો પણ અવારનવાર મીડિયામાં ચમકતા રહ્યા છે જોકે ઊંઝા ની પ્રતિષ્ઠા ભાજપના શાસનમાં કૌભાંડોને કારણે ખરડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ઊંઝા નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં સીસીટીવી કેમેરા લગાવતા એક નવો વિવાદ સર્જાયો છે. જેને લઇને વિરોધ પક્ષ મેદાનમાં આવ્યું છે. અપક્ષના નગર સેવક ભાવેશ પટેલ આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના ચેમ્બરમાં શા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી?  તેમજ અન્ય વિભાગી જગ્યાએ વોઇસ રેકોર્ડિંગ કરી શુ સાબિત કરવા માંગે છે.? 'એકને ગોળ અને બીજાને ખોળ' વાળી કહેવત શા માટે ઉંઝા નગરપાલિકા યથાર્થ કરી રહી છે?

અપક્ષ નગર સેવક ભાવેશ પટેલનો પત્ર.....

પ્રતિ,
પ્રમુખશ્રી/ચીફ ઓફિસરશ્રી,
ઊંઝા નગરપાલિકા, ઊંઝા. 

વિષય :- ઊંઝા નગરપાલિકામાં નવીન CCTV કેમેરા લગાવવામાં પ્રમુખ/ચીફ ઓફિસરના રૂમ કેમ બાકાત રખાયા તેમજ અન્ય વિભાગોમાં નવિન CCTV કેમેરા સાથે વોઇસ રેકોર્ડિંગ કરવાની શું જરૂર પડી તે અંગે લેખીત ખુલાસો કરવા બાબત... 

સાદર નમસ્કાર,

આપશ્રી સત્તા પર બેઠા ત્યારથી જ મનસ્વી નિર્ણયો કરી રહ્યાં છો. ઊંઝા નગરપાલિકા એ જાહેર સંસ્થા છે. કોઈ વ્યક્તીગત માલિકીની નથી એનો અાપશ્રીને ખ્યાલ હોવો જોઈએ. છેલ્લા ૫-મહિનાથી વ્યક્તીગત પ્રસિદ્ધિ માટે ૧૪-જાહેર હોડિંગ પર કબજો મેળવી કોઈપણ પ્રકારનુ ભાડું નાખ્યા વગર ભ્રષ્ટાચાર આચરી સંસ્થાની આવકમાં લાખો રૂપિયાની અડચણ ઉભુ કરવાનું મહાન કાર્ય કર્યું છે. તેમજ તાજેતરમાં પ્રમુખના રૂમમાં AC કાર્યરત હોવા છતાં નવીન 2 ટનના AC ની ખરીદી કરાઈ એમાંય કોઈ જાહેર ટેન્ડર પ્રક્રિયા ન કરી. સાથે ગત 15 ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજની સ્વાતંત્ર દિનની ધ્વજવંદન પ્રમુખશ્રી હસ્તેની પ્રણાલીની ઐતિહાસિક પરંપરાનો ભંગ કરી એક નવીન ઉન્નતી પ્રાપ્ત કરી.

ઉપરોકત વિષય અનુસંધાનમાં વર્તમાન સમયમાં ઊંઝા નગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગમાં નવીન CCTV કેમેરા જનરલ સભાની મંજુરી વિના લગાવીને આપશ્રીએ એકતરફી કાર્ય કર્યુ છે. તેમજ જૂના કાર્યરત કેમેરાનો નિકાલ/ઉકેલ બાબતે કોઈ સ્પષ્ટિકરણ પણ કર્યુ નથી. જે બાબતે ગેરવહીવટની આશંકા વ્યક્ત કરુ છું.

      તેમજ નવિન CCTV કેમેરા સમગ્ર બિલ્ડિંગમાં લગાવાયા તો પ્રમુખ/ચીફ ઓફિસરની રૂમમાં લગાવવાના કેમ બાકાત રાખ્યા? શું આપશ્રી પર કોઈ નીતી-નિયમો લાગૂ પડતા નથી? આપશ્રીના રૂમમાં કોઈ ગેરપ્રવુતિ ન થાય તેની ખાત્રી છે કંઈ? સાથે અન્ય વિભાગી જગ્યાઓ પર   વોઇસ રેકોર્ડિંગ દ્વારા જાહેર જગ્યાઓ પરની કોઈની વાતો રેકોર્ડ કરી આપશ્રી શું સાબિત કરવા માંગો છો? દરેક વ્યક્તિને લોકશાહીમાં સ્વતંત્રતાના અધિકારો મળેલા છે. આપશ્રીના મનસ્વી નિર્ણયો થકી વર્તમાન ઊંઝા નગરપાલિકાના વહીવટને સરમુખત્યારશાહી બનાવી રહ્યાં છો. 

   તાત્કાલિક અસરથી ઊંઝા નગરપાલિકાના આપશ્રી પ્રમુખ/ચીફ ઓફિસરના રૂમમાં CCTV કેમેરા લગાવો. તેમજ અન્ય જગ્યાઓ પરથી વોઇસ રેકોર્ડિંગ હટાવવા  સાથે CCTV ઓપરેટિંગ સિસ્ટમ માટે પ્રમુખ હસ્તેથી હટાવી અન્ય વિભાગને સોંપવા સહીત અમારા તરફથી સખ્ત રજુઆત છે. સાથે આ પત્ર અંતર્ગત  લેખીત ખુલાસો કરશો.
 આપશ્રી ભવિષ્યમાં પણ આજ પ્રકારે સરમુખત્યારશાહી નિર્ણયો લેતા રહેશો તો લોકશાહી બચાવવા અમારે ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાનાની  ફરજ પડશે. જેની નોંધ લેશો.

લિ.
ભાવેશ કે પટેલ.
કોર્પોરેટર ઊંઝા નગરપાલિકા.

નકલ રવાના. By E-mail
1- કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિશ્રીટ્રેશન કચેરી, ગાંધીનગર.
2- પ્રાદેશિક કમિશ્નરશ્રી, પ્રાદેશિક કમિશ્નરની કચેરી, ગાંધીનગર ઝોન.
3- કલેકટરશ્રી, કલેકટર કચેરી, મહેસાણા.
4- ગુજરાત વિઝિલન્સ કમિશન, ગાંધીનગર.