ઊંઝા : સી.આર.પાટીલની હાજરીમાં ભાજપની બાઈક રેલીનો ફિયાસ્કો ! પાટીલના આ સંકેતથી કોના અરમાન અધૂરા રહેશે ?

ઊંઝા : સી.આર.પાટીલની હાજરીમાં ભાજપની બાઈક રેલીનો ફિયાસ્કો ! પાટીલના આ સંકેતથી કોના અરમાન અધૂરા રહેશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયેલ ભાજપના યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે 500 થી વધુ મતોથી લીડ મેળવનાર બુથ કાર્યકર્તાઓનું સન્માન કર્યું હતું. જોકે યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન સમારંભની શરૂઆત ઊંઝા થી કરવામાં આવી હતી. જેને લઇને સીઆર પાટીલે ધારાસભ્ય કિરીટભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સી આર પાટીલે પોતાના પ્રવચનમાં કાર્યકર્તાઓની કામગીરી ઉપર વિશેષ ભાર મૂક્યો હતો અને પાર્ટીની મહત્વની સફળતા માટે કાર્યકર્તાઓને જ મહત્વના ગણાવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જંગી મતોથી જીતવા તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

બાઈક રેલી નો થયો ફિયાસ્કો 

યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન સમારંભના મુખ્ય અતિથિ તરીકે આવેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બાઈક રેલી બી.આર માર્બલથી સરદાર પટેલ ટાઉનહોલ સુધી યોજાઈ હતી.પરંતુ બાઈક રેલીમાં માત્ર અને માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કાર્યકર્તાઓ જોડાયા હતા. જેને લઈને આ બાઈક રેલી નો ફિયાસકો થયો હોવાની વાત નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. જોકે સીઆર પાટીલ આવવાના હોઇ અનેક કાર્યકર્તાઓ અગાઉથી જ ટાઉનહોલમાં ગોઠવાઈ ગયા હતા જેથી બાઇક રેલીમાં કોઈ ખાસ લોકો ફરક્યા હતા નહીં.

નગર પાલિકાના પૂર્વ સત્તાધીશો ની આશા પર પાણી

આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહેવાના હોઇ નગરપાલિકાના કેટલાક પૂર્વ સત્તાધીશો અગાઉથી જ ટાઉનહોલ ખાતે ગોઠવાઈ ગયા હતા. જેને લઈને એવી ચર્ચાઓ ઉઠી હતી કે હાલમાં નગરપાલિકામાં જે કમિટીઓની વહેંચણી બાકી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોતાનો નંબર લાગે તેની આશાઓ લઈને આ સત્તાધીશો હરખ પદુડા બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પરંતુ પાટીલે પોતાના ભાષણમાં નો રીપીટ થિયરી નો મુદ્દો ટાંકીને આડકતરી રીતે સંકેત આપી દીધો છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે પાલિકા હોય જે લોકો હોદ્દા ભોગવી ચૂક્યા છે તેમને ફરીથી હોદ્દા આપવામાં આવશે નહીં. આમ પાટીલના આ અભયવચન થી પૂર્વ સત્તાધીશોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

ધારાસભ્યની રાજકીય પ્રતિષ્ઠા ને કોણ નુકશાન પહોંચાડી રહ્યું છે ?

ભાજપના યશસ્વી બુથ  કાર્યકર્તા સન્માન કાર્યક્રમ પહેલા બેનર વિવાદ છેડાયો હતો. જેમાં કાર્યક્રમના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તેમાં સાંસદ શારદાબેન પટેલનો ફોટો બેનરમાં ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. જેને લઈને એક નવો વિવાદ જન્મ્યો હતો. જો કે કાર્યક્રમ દરમિયાન પણ શારદાબેન ના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક આ બેનર મુદ્દે ની નારાજગી પ્રગટ થતી હતી. કારણ કે કાર્યક્રમ પૂરો થતાં જ તેઓ સીધા ચાલતા થયા હતા. તો બીજી બાજુ નગરમાં સવાલ એ ચર્ચાઇ રહ્યો છે કે વારંવાર ભાજપના આયોજિત કાર્યક્રમમાં કોઈને કોઈ વિવાદ સર્જાય એવું કામ કોણ કરી રહ્યું છે? બીજી બાજુ એવો ગણગણાટ પણ શરૂ થયો છે કે જેઓ અગાઉ ની સ્થાનિક ચુંટણીમાં મોટા માર્જિનથી હાર મેળવી ચૂક્યા છે એવા કેટલાક લોકો ધારાસભ્યના ખાસ સલાહકાર બનીને ફર્યા કરે છે અને ક્યાંક ને ક્યાંક કાર્યક્રમની જવાબદારી આવા લોકોને સોંપવામાં આવતા કાર્યક્રમમાં કોઈને કોઈ વિવાદ અવારનવાર સર્જાતો રહે છે. ત્યારે પોતાના રાજકીય લાભ માટે ધારાસભ્યની આસપાસ ફરતા આવા સલાહકારોને તેમણે ઓળખી લેવાની જરૂર છે.